સત્ય. સાહસ. સંકલ્પ.

ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર, પેટ્રોલ-ડીઝલના ભાવ પર દબાણ વધ્યું

ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર, પેટ્રોલ-ડીઝલના ભાવ પર દબાણ વધ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે, 9 સપ્ટેમ્બરે, બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. અગાઉ તે 98 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતો. આ વધારો અમેરિકા-ઈરાન વચ્ચેની લશ્કરી અથડામણના કારણે થયો છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે અમેરિકી સેનાએ ઈરાનના પાંચ ક્રૂડ ઓઇલ ટેન્કરોનો નાશ કર્યો છે. આ કાર્યવાહી ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા અમેરિકી યુદ્ધ જહાજ પર બેલિસ્ટિક મિસાઈલથી કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં આ વધારાનું સૌથી મહત્ત્વનું કારણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'નું અસુરક્ષિત થવું છે. આ જળમાર્ગ લગભગ 167 કિલોમીટર લાંબો છે અને ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના કુલ પેટ્રોલિયમનો લગભગ 20 ટકા હિસ્સો આ જ માર્ગેથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઇરાક અને કુવૈત જેવા દેશો પોતાની નિકાસ માટે આ માર્ગ પર નિર્ભર છે. હાલના સંઘર્ષને કારણે આ રૂટ પરથી ટેન્કરો જવાનું બંધ થઈ ગયું છે.

ભારત માટે આ સ્થિતિ ચિંતાજનક છે કારણ કે ભારત પોતાની જરૂરિયાતનો 50 ટકા ક્રૂડ ઓઇલ અને 54 ટકા એલએનજી આ જ રૂટેથી મંગાવે છે. છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 22 ટકાનો વધારો થયો છે. 10 ઓગસ્ટે બ્રેન્ટ ક્રૂડ 82 ડોલર પ્રતિ બેરલ હતું.

આ વધારાની સીધી અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવ પર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારી તેલ કંપનીઓ (IOC, BPCL, HPCL) એ મે મહિનામાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹7.50 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દેશના 90 ટકાથી વધુ પેટ્રોલ પંપો પર આ ત્રણેય કંપનીઓનું નિયંત્રણ છે.