સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલ 100 ડૉલરથી નીચે, બ્રેન્ટ ક્રૂડ 98 ડૉલરે

ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલ 100 ડૉલરથી નીચે, બ્રેન્ટ ક્રૂડ 98 ડૉલરે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલની નીચે આવીને 98 ડૉલર પ્રતિ બેરલ થયો છે.

ટ્રમ્પે એક તરફ ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો કોઈ સમજૂતી ન થાય તો ઈરાનને 'સંપૂર્ણપણે તબાહ' કરી દેવામાં આવશે. બીજી તરફ તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થશે. યુએનજીએમાં ભાગ લીધા બાદ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપ્યાના થોડા કલાકોમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હોવાની માહિતી આપી હતી.

આ બેઠક અને ટ્રમ્પના દાવાની અસર બજાર પર તરત જ જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 98 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ડબલ્યુટીઆઈ (WTI) ક્રૂડ ઓઇલ 89 ડૉલર પ્રતિ બેરલ સુધી ઘટ્યું છે, જ્યારે મરબન ક્રૂડ ઓઇલ 108 ડૉલર પ્રતિ બેરલની આસપાસ પહોંચ્યું છે. અગાઉ આ તમામ કિંમતો 100 ડૉલરથી ઉપર હતી, જેના કારણે આયાત પર નિર્ભર દેશોમાં મોંઘવારીનું જોખમ વધ્યું હતું.

દરમિયાન, ઓઇલ માર્કેટ માટે મહત્વના હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવા અંગે ઈરાને શરત મૂકી છે. ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકા સૈન્ય દબાણ ઘટાડે અને ઈરાની બંદરગાહો પરથી નાકાબંધી હટાવે તો આગામી સાત દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલી શકાય છે. તેહરાન ઈચ્છે છે કે વોશિંગ્ટન સત્તાવાર રીતે સ્પષ્ટ કરે કે તે રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે.