નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમત ફરી એક વાર 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. આ વધારાનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ છે. નિષ્ણાતોના મતે, જો આવું જ ચાલુ રહેશે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ (LPG)ના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
આજે (9 સપ્ટેમ્બર)ના રોજ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 2.25 ટકાનો ઉછાળો જોવા મળ્યો, જે અગાઉ 98 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતો. આ પહેલાં 24 જુલાઈએ ક્રૂડનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલની સપાટીને સ્પર્શી ગયો હતો. છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઇલ 22 ટકા મોંઘું થયું છે; 10 ઓગસ્ટે તે 82 ડોલર પ્રતિ બેરલ હતું.
ભાવમાં આ તાજા ઉછાળા પાછળ અમેરિકા-ઈરાન વચ્ચે શરૂ થયેલી નવી સૈન્ય અથડામણને કારણ ગણાવવામાં આવે છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે મંગળવારે મોડી રાત્રે જણાવ્યું કે અમેરિકી સેનાએ ઈરાનના પાંચ તેલ ટેન્કરોનો નાશ કર્યો છે. અમેરિકાનો દાવો છે કે આ કાર્યવાહી ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા અમેરિકી નૌકાદળના યુદ્ધ જહાજ પર કરાયેલા બેલિસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં કરવામાં આવી છે.
ક્રૂડ ઓઇલના ભાવ વધવાનું સૌથી મોટું કારણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જળમાર્ગ પરનું સંકટ છે. આ લગભગ 167 કિલોમીટર લાંબો જળમાર્ગ ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે, અને દુનિયાના કુલ પેટ્રોલિયમનો 20 ટકા હિસ્સો અહીંથી પસાર થાય છે. ઈરાન સાથેના યુદ્ધના કારણે આ રૂટ હવે સુરક્ષિત નથી, જેને લઈને ઘણી ટેન્કરો અહીંથી પસાર થવાનું ટાળી રહી છે. સાઉદી અરબ, ઈરાક અને કુવૈત જેવા દેશો પણ પોતાની નિકાસ માટે આ જળમાર્ગ પર નિર્ભર છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 50 ટકા ક્રૂડ ઓઇલ અને 54 ટકા એલએનજી આ જ માર્ગથી મંગાવે છે.
આ વચ્ચે, સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હપ્તે હપ્તે કુલ 7.50 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દેશના 90 ટકાથી વધુ પેટ્રોલ પંપો પર આ ત્રણેય કંપનીઓનું નિયંત્રણ છે, એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો સીધો ગ્રાહકોને અસર કરી શકે છે.