અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો પરના હુમલાઓ અટક્યા નથી, જેનાથી સપ્લાય ચેઈન પર દબાણ વધ્યું છે. પરિણામે, 9 સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 94 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બંનેમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સૅક્સે ચેતવણી આપી છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલા ચાલુ રહે તો ક્રૂડ ઓઈલની કિંમત 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બેન્કના કોમોડિટીઝ રિસર્ચના કો-હેડ ડેન સ્ટ્રુયવેને જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જહાજોની અવરજવરમાં અવરોધો વધ્યા છે, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચેનો વિવાદ હજુ ઉકેલાયો નથી. દુનિયાના 20 ટકા ઓઈલ પસાર થતું હોવાથી, હોર્મુઝમાં ઓછું ઓઈલ આવવાથી મોંઘવારી અને આર્થિક જોખમ વધી રહ્યું છે.
જો ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલરથી ઉપર જાય તો ભારત પર મોટી અસર થશે. ભારતનું આયાત બિલ વધશે, જેનાથી લોજિસ્ટિક્સથી લઈને કાચા માલ સુધીની કિંમતો વધશે. આ અસર ઝડપથી રિટેલ માર્કેટમાં પણ દેખાશે. મોંઘવારી વધવાથી કંપનીઓની કમાણી ઘટશે અને શેરબજારમાં ઘટાડો થઈ શકે છે. બજારમાં મોટા કરેક્શનની શક્યતા વધી જશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે 28 માર્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો અને 30 એપ્રિલે તે 125 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. હાલમાં ફરી એકવાર ભાવ વધી રહ્યા છે.
નોંધ: શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લેવી.