સત્ય. સાહસ. સંકલ્પ.

ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાના 7 સંકેત, યુદ્ધની અસર ભરપાઈ થવાની શક્યતા

ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાના 7 સંકેત, યુદ્ધની અસર ભરપાઈ થવાની શક્યતા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નજીકના સમયમાં ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)ના અંદાજ, ઓપેક પ્લસના વધતા ઉત્પાદન અને અમેરિકાના રેકોર્ડ ક્રૂડ ઉત્પાદન સહિત સાત પરિબળો ભાવ પર દબાણ ઊભું કરી રહ્યાં છે. જોકે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી કરે તો ભાવમાં ઉછાળો આવી શકે છે. હાલ તેલની માગ કરતાં પુરવઠો વધવાની શક્યતા છે.

શુક્રવારે શેરબજારમાં ઘટાડો નોંધાતાં રોકાણકારોએ ક્રૂડ ઓઇલના ભાવ પર નજર દોડાવી હતી. છેલ્લા છ મહિનાના ટ્રેન્ડ પ્રમાણે ક્રૂડ મોંઘું થવાની સાથે શેરબજારમાં પણ દબાણ જોવા મળ્યું છે. જોકે, આ વખતે ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. બજારમાં હાલની સ્થિતિ એવી છે કે તેલની માગ કરતાં પુરવઠો વધવાની શક્યતા છે. સામાન્ય રીતે જ્યારે બજારમાં ખરીદદારો ઓછા હોય અને તેલનો પુરવઠો વધારે હોય ત્યારે કિંમતો ઘટે છે.

ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાનાં સાત મુખ્ય કારણો આ પ્રમાણે છે:

1. ઓપેક પ્લસે ઉત્પાદન વધાર્યું: સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ઓપેક પ્લસ જૂથે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. ઓક્ટોબરમાં ઓપેક પ્લસનું દૈનિક ઉત્પાદન 4.123 કરોડ બેરલ સુધી પહોંચ્યું હતું, જે સપ્ટેમ્બરની સરખામણીએ 20 લાખ બેરલથી વધુ છે. બીજી તરફ, UAE અને ઇરાક પણ પોતાનું ઉત્પાદન વધારી રહ્યાં છે. બજારમાં વધુ તેલ આવવાથી કિંમતો પર દબાણ વધી શકે છે.

2. IEAએ માગ ઘટવાનો અંદાજ આપ્યો: IEAના અંદાજ પ્રમાણે ક્રૂડ ઓઇલની માગમાં વધારો થવાને બદલે ઘટાડો થઈ શકે છે. અગાઉ અંદાજિત 10.229 કરોડ બેરલ પ્રતિદિનની જરૂરિયાતમાં હવે 90 હજાર બેરલ પ્રતિદિનનો ઘટાડો થવાની શક્યતા છે. બીજી તરફ, આગામી મહિનાઓમાં તેલનો પુરવઠો 9.20 લાખ બેરલ પ્રતિદિન વધવાનો અંદાજ છે. ડિસેમ્બરમાં પણ તેલ ઉત્પાદક દેશો ઉત્પાદન વધારવાના સંકેત આપી રહ્યા છે.

3. સાઉદી અરેબિયા અને ખાડી દેશોનું ઉત્પાદન વધ્યું: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હોવા છતાં વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો અટક્યો નથી. અહેવાલ મુજબ, ઓક્ટોબરમાં સાઉદી અરેબિયા, UAE, ઇરાક અને કુવૈતનું સંયુક્ત ઉત્પાદન 10 ટકા વધ્યું હતું. સાઉદી અરેબિયા પણ દર મહિને લગભગ 12 ટકા વધુ ક્રૂડ ઓઇલ બજારમાં મોકલી રહ્યું છે.

4. હોર્મુઝની ખાડીમાંથી તેલની હેરફેર ચાલુ: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઇલ ટેન્કરોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ નથી. કેટલાક ટેન્કરો જોખમ વચ્ચે પોતાના સિગ્નલ બંધ કરીને પણ આ માર્ગેથી પસાર થઈ રહ્યા છે. આ રીતે તેલનો જથ્થો આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી રહ્યો છે. વોર્ટેક્સાના અહેવાલ પ્રમાણે, છેલ્લા સાત દિવસથી દરિયામાં તેલ ભરીને ઊભા રહેલા ટેન્કરોની સંખ્યા ઘટી રહી છે. ત્રણ મહિના પછી પહેલીવાર આવી સ્થિતિ જોવા મળી છે.

5. દેશો ઇમરજન્સી ઓઇલ રિઝર્વમાંથી તેલ કાઢી રહ્યા છે: વિશ્વના અનેક દેશો પોતાના ઇમરજન્સી ઓઇલ ભંડારમાંથી તેલ બહાર કાઢીને સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. IEAના સભ્ય દેશોએ ફેબ્રુઆરીના અંત સુધીમાં પોતાના ઇમરજન્સી ઓઇલ રિઝર્વમાંથી 7.1 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ બહાર પાડવાની વાત કરી છે. તેમાં ડીઝલનો પણ મોટો જથ્થો સામેલ છે. આ પગલાથી બજારમાં પુરવઠાનું દબાણ ઓછું કરવામાં મદદ મળી રહી છે.

6. અમેરિકામાં ક્રૂડ ઓઇલનું રેકોર્ડ ઉત્પાદન: અમેરિકા પણ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરી રહ્યું છે. 6 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન સાપ્તાહિક ધોરણે 0.1 ટકા વધીને 1.4 કરોડ બેરલ પ્રતિદિન થયું હતું, જે રેકોર્ડ સ્તર છે. આ પુરવઠાથી પણ ભાવ પર નીચેનું દબાણ છે.

7. વૈશ્વિક આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની ચિંતા: ચીન સહિતના મોટા અર્થતંત્રોમાં માગ નરમ પડવાના સંકેતો પણ તેલની માગ પર અસર કરી રહ્યા છે. જોકે, આ પરિબળ હાલમાં ગૌણ માનવામાં આવે છે.

આ સિવાય પણ કેટલાક પરિબળો ભાવને અસર કરી શકે છે. પરંતુ મુખ્ય જોખમ ટ્રમ્પના નિર્ણય સાથે જોડાયેલું છે. જો અમેરિકા ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી કરે તો પુરવઠાની ચિંતા વધીને ભાવમાં ઉછાળો આવી શકે છે. તેથી રોકાણકારોએ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ પર નજર રાખવી જરૂરી છે.