સત્ય. સાહસ. સંકલ્પ.

સાઉદી પર હુમલાના ભયથી ક્રૂડ ઓઇલ 116 ડોલર પાર, ભારતમાં મોંઘવારીનું દબાણ

સાઉદી પર હુમલાના ભયથી ક્રૂડ ઓઇલ 116 ડોલર પાર, ભારતમાં મોંઘવારીનું દબાણ

હોર્મુઝની ખાડીમાં ઇરાને મંજૂરી વગર પસાર થનારા જહાજો સામે કડક ચેતવણી આપી છે. આ પહેલાં તેણે સાત ટેન્કરો પર હુમલો કર્યો હતો. તેના લીધે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ 116 ડોલરને પાર કરી ગયા છે. સાઉદી અરબ પર હુથી બળવાખોરોના હુમલા અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતમાં મોંઘવારી તથા પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું દબાણ વધ્યું છે.

દુબઈથી મળતી માહિતી મુજબ સાઉદી અરબ પર વધતા હુમલા અને વિશ્વના ઓઇલ પુરવઠો અવરોધાવાના ભયથી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડે 116 ડોલરની સપાટી વટાવી દીધી છે, જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડે 100 ડોલરની સપાટી તોડી છે. તેના લીધે ભારત જેવા દેશમાં મોંઘવારીની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ પર દબાણ વધી શકે છે.

ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો થાય તો સરકારી કંપનીઓને લગભગ છ રૂપિયા પ્રતિ લિટર નુકસાન થાય છે. ઇરાન-અમેરિકા યુદ્ધથી ક્રૂડ ઓઇલ 85 ટકા મોંઘું થઈ ચૂક્યું છે. આમ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના રેટ 8.50 રૂપિયા જ વધ્યા છે, જ્યારે દુબઈમાં પેટ્રોલ ભારત કરતાં વધુ મોંઘું થઈ ગયું છે.

અગાઉ ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 113 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડ 99 ડોલર હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો ભારત જેવા દેશનું ક્રૂડ આયાત બિલ વધારી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબના રેડ સીમાં યાનબૂ બંદર પર તાજેતરમાં હુમલો કરવા ઉપરાંત એક ઓઇલ ઝોન અને એરપોર્ટ પર પણ હુમલાનો દાવો કર્યો છે. આ ઘટનાથી પશ્ચિમ એશિયામાં તનાવ વધવાની સંભાવના છે અને તેની અસર વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર પર પણ પડી રહી છે.

આ સિવાય હોર્મુઝની ખાડીમાં પણ તણાવ વધવાની શંકા બજાર પર દબાણ વધારી રહી છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઓઇલ પુરવઠા માટે મહત્ત્વનો છે. અહીં કોઈપણ પ્રકારના અવરોધથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર અસર પડી શકે છે. ઇરાને ગઇકાલે હોર્મુઝની ખાડીમાં સાત ટેન્કર ઉડાવ્યાનો દાવો કર્યો હતો. આના લીધે હોર્મુઝની ખાડીમાં ટેન્કરોની આવનજાવન મર્યાદિત થઈ ગઈ છે. બીજી બાજુએ રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર યુક્રેનના હુમલાના લીધે પણ ઇંધણની ઉપલબ્ધતા પર દબાણ વધ્યું છે.

અમેરિકા જેવા દેશોએ પણ ઇંધણના પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોતો તલાશવા પડી રહ્યા છે. બીજી બાજુએ રશિયાએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાનું શરૂ કર્યું છે અને યુક્રેનના હુમલા વચ્ચે તેની રિફાઇનરીઓ પણ ધમધમવા લાગી છે.

બીજી બાજુએ હોર્મુઝમાં ઓઇલ લઈ જતાં ટેન્કરો સામે ઇરાને આકરું વલણ અપનાવ્યું છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ દરિયાઈ નિયમોનો ભંગ કરતાં જહાજોએ તેમની આવનજાવન રોકી દીધી છે. ઇરાને ચેતવણી આપી છે કે તેમની મંજૂરી વગર જો જહાજો હોર્મુઝમાંથી પસાર થયા તો તેનું નુકસાન તેમણે જ ભોગવવું પડશે.

ઇઝરાયેલના સૈનિકોએ બે પેલેસ્ટાઇનીઓને ઠાર માર્યા છે અને પાંચને ઇજાગ્રસ્ત કર્યા છે. તેમનો દાવો હતો કે આ બંને પેલેસ્ટાઇનીઓએ વેસ્ટ બેન્કમાં હેબ્રોન ખાતે શુક્રવારે સવારે હુમલો કર્યો હતો. ઇઝરાયેલમાં આગામી મંગળવારે ચૂંટણી છે ત્યારે આ હુમલાના લીધે રાજકીય તનાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલની સરકારે પણ ચેતવણી આપી છે કે ચૂંટણી નજીક છે ત્યારે તેનો ફાયદો ઉઠાવીને આતંકી તત્વો હુમલો કરી શકે છે. આ બનાવના પગલે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ કેબિનેટની ઇમરજન્સી બેઠક બનાવી હતી. તેમણે જણાવ્યું હતું કે હમાસ મોટા હુમલાનું અને નિર્દોષ નાગરિકોની હત્યાનું આયોજન કરી રહ્યું છે, જો કે તેમણે તેની વિગત આપી ન હતી. ઇઝરાયેલની મિલિટરીએ અને અન્ય સિક્યોરિટી એજન્સીએ વેસ્ટબેન્કમાં ડઝનેક ઓપરેશન કર્યા હતા. યમનના દરિયાકિનારે ભારતીયો જે બોટમાં જતા હતા તેના પર હુમલો થયો હતો, આ હુમલામાં બધા ભારતીયો સલામત છે.