પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભેસાલ ગામે આવેલા ખોડિયાર મંદિરમાં 8 ફૂટ લાંબો મગર ઘૂસી આવતાં દર્શનાર્થીઓ અને સ્થાનિકોમાં ભય તથા આશ્ચર્ય ફેલાયું હતું. ધાર્મિક માન્યતા મુજબ મગરને ખોડિયાર માતાજીનું વાહન ગણવામાં આવે છે, તેથી મગરને જોઈને લોકોમાં આસ્થાની લાગણી પણ જાગી હતી, પરંતુ મગરના મોટા કદને કારણે સુરક્ષાની ચિંતા પણ વ્યક્ત થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ શહેરા વનવિભાગની ટીમે તાત્કાલિક ભેસાલ ગામે પહોંચી મગરને સહી-સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. બાદમાં વનવિભાગની ટીમે મગરને માનવવસવાટથી દૂર પાનમ ડેમ વિસ્તારના જંગલમાં મુક્ત કરી દીધો હતો. મગરના સફળ રેસ્ક્યૂ બાદ સ્થાનિકો અને દર્શનાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.