ક્રિકેટમાં આજે ત્રણ સ્ટમ્પ જોવા મળે છે, પરંતુ શરૂઆતમાં માત્ર બે જ સ્ટમ્પ હતા. 16મી સદીમાં ક્રિકેટ રમાતું ત્યારે વિકેટમાં ઓફ અને લેગ સ્ટમ્પ વચ્ચેનું અંતર ઘણું વધારે હતું, જેથી બોલ વચ્ચેથી પસાર થઈ જતો અને બેલ પડતી નહીં. નિયમ મુજબ બેલ ન પડે ત્યાં સુધી બેટરને આઉટ નહોતો આપી શકાતો. આ સ્થિતિ બોલરો માટે અન્યાયી હતી.
મે 1775માં લંડનના આર્ટિલરી ગ્રાઉન્ડ ખાતે હેમ્બલ્ડન ક્લબ અને કેન્ટ વચ્ચે મેચ રમાઈ. તેમાં બોલર એડવર્ડ ‘લમ્પી’ સ્ટીવન્સે જોન સ્મોલને સળંગ ત્રણ બોલમાં બીટ કર્યો, પણ બોલ બે સ્ટમ્પ વચ્ચેથી પસાર થવા છતાં બેલ પડી નહીં અને સ્મોલ નોટઆઉટ રહ્યો. આ ઘટનાથી ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ અને બોલરોએ વચ્ચેનો સ્ટમ્પ ઉમેરવાની માંગ કરી.
આખરે 6 સપ્ટેમ્બર 1776ના રોજ ઈંગ્લેન્ડના લેલેહામ બર્વે ખાતે ચેર્ટસી અને કુલ્સડન વચ્ચેની મેચમાં પહેલીવાર ત્રણ સ્ટમ્પનો સત્તાવાર ઉપયોગ થયો. ત્યારથી મિડલ સ્ટમ્પ અસ્તિત્વમાં આવ્યો. સમય જતાં સ્ટમ્પની ઊંચાઈ અને પહોળાઈમાં પણ ફેરફાર થયા. 1744માં સ્ટમ્પની ઊંચાઈ 22 ઇંચ અને બેલની લંબાઈ 6 ઇંચ હતી, જે 1780 સુધી ચાલુ રહી. 1798માં વિકેટની ઊંચાઈ 24 ઇંચ અને પહોળાઈ 7 ઇંચ કરવામાં આવી. આજે LED સ્ટમ્પ 30-40 લાખ રૂપિયાના ભાવે મળે છે.