સત્ય. સાહસ. સંકલ્પ.

નિવૃત્તિ બાદ એક્સટેન્શન સામે સી.આર.પાટીલનો વિરોધ, ગુજરાત સરકારમાં 7 નિવૃત્ત અધિકારીઓ CMOમાં ફરી તૈનાત

નિવૃત્તિ બાદ એક્સટેન્શન સામે સી.આર.પાટીલનો વિરોધ, ગુજરાત સરકારમાં 7 નિવૃત્ત અધિકારીઓ CMOમાં ફરી તૈનાત

સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં આયોજિત રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે હાજરી આપી. કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ સરકારી નોકરીમાં નિવૃત્તિના અંતિમ સમયે અપાતા એક્સટેન્શનના સખત વિરોધી છે.

પાટીલે જણાવ્યું કે, ઘણી વાર એવી દલીલ કરવામાં આવે છે કે 30 કે 35 વર્ષનો લાંબો અનુભવ ધરાવતા અધિકારીનો લાભ લેવો જોઈએ. પરંતુ તેનાથી મોટું નુકસાન યુવા પેઢીને થાય છે. જો કોઈ કર્મચારીને એક્સટેન્શન આપવામાં આવે તો આજે નવો નિયુક્તિ પત્ર મેળવી રહેલા યુવાનનો એક વર્ષનો અધિકાર છીનવાઈ જાય છે. આયુષ્યમાં એક દિવસ વધી જવાના કારણે પણ લાયક યુવાન સરકારી નોકરીની તક ગુમાવી બેસે છે.

સરકારી નોકરી અને કર્મચારીઓ પ્રત્યે વધતા અસંતોષ અંગે પાટીલે કહ્યું કે લોકોના મનમાં સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ પ્રત્યે નકારાત્મક છબી ઊભી થાય છે. આ માટે આપણી કામ કરવાની પદ્ધતિ અને સમયસર નિર્ણયો ન લેવાની માનસિકતા જવાબદાર છે. જ્યારે મહત્ત્વના નિર્ણયમાં મોડું થાય છે ત્યારે સામાન્ય નાગરિકોની જરૂરિયાતો સમયસર પૂરી થતી નથી અને તેમને નુકસાન સહન કરવું પડે છે.

તેમણે ઉમેર્યું કે જીવન કે વહીવટી કામકાજમાં ક્યારેય નિર્ણયો લેવાનું કાલ પર છોડવું જોઈએ નહીં. જો નિર્ણય આજે લેવાનો હોય તો તેને તાત્કાલિક અમલમાં મૂકવો જોઈએ. નિર્ણયોમાં થતી બિનજરૂરી દેરી માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પેઢીના ભવિષ્યને પ્રભાવિત કરે છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત સરકારમાં અધિકારીઓની નિવૃત્તિ બાદ પણ તેમની સેવાઓ ચાલુ રાખવાની પદ્ધતિ ફરી ચર્ચામાં છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ની સત્તાવાર વેબસાઇટ પર હાલમાં 7 નિવૃત્ત અધિકારીઓ વિવિધ મહત્ત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. CMOની યાદી પ્રમાણે 18માંથી 7 અધિકારીઓ નિવૃત્ત હોવા છતાં વિવિધ જવાબદારીઓ પર છે. CMOની બહાર પણ નિવૃત્ત અધિકારીઓને કરાર આધારિત અથવા મહત્ત્વના સરકારી પદો પર ચાલુ રાખવાના તાજેતરના કિસ્સા સામે આવ્યા છે.

ડૉ. હસમુખ અઢિયા નવેમ્બર 2018માં નિવૃત્ત થયા બાદ જાન્યુઆરી 2023થી ગુજરાતના મુખ્યમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ GIFT City, GACL અને GMDC જેવી રાજ્યની કંપનીઓમાં નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પણ જોડાયેલા છે. એસ.એસ. રાઠોર પણ નિવૃત્ત અધિકારી છે અને CMOમાં એડવાઇઝર તરીકે ચાલુ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડની વેબસાઇટ પર તેઓ ચેરમેન અને CMના એડવાઇઝર તરીકે દર્શાવવામાં આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં પણ તેઓ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

CMOની બહાર પણ નિવૃત્તિ બાદ સેવા ચાલુ રાખવાનું તાજેતરનું ઉદાહરણ પી. આર. પટેલિયાનું છે. તેઓ 31 માર્ચ 2026ના રોજ નિવૃત્ત થવાના હતા અને ત્યારબાદ 1 એપ્રિલ 2026થી એક વર્ષ માટે કરાર આધારિત માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 29 ઓગસ્ટ 2026ની સરકારની બે નોટિફિકેશન મુજબ કે. બી. રબાડિયા (નિવૃત્ત)ને સરદાર સરોવર નર્મદા નિગમના ડિરેક્ટર તરીકે અને પી. સી. વ્યાસ (નિવૃત્ત)ને નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ તરીકે 31 ઓગસ્ટ 2027 સુધી એક વર્ષ માટે કરાર આધારિત સેવા-વિસ્તરણ આપવામાં આવ્યું છે.