સત્ય. સાહસ. સંકલ્પ.

કોર્ટ બોમ્બ ધમકી કેસ: અશફાક-રાજેશને 13 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ

કોર્ટ બોમ્બ ધમકી કેસ: અશફાક-રાજેશને 13 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ

અમદાવાદ અને સુરતની કોર્ટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલે પોલીસે અસફાક અને રાજેશ ઉર્ફે રાજની ધરપકડ કરી છે. બંનેને સોમવારે અમદાવાદની કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે તેમને 13 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓની ઓળખાણ સુરત જેલમાં થઈ હતી. પોલીસે હવે તપાસ કરી રહી છે કે, તાજેતરમાં વિવિધ શાળાઓ અને એરપોર્ટ પર મળેલી ધમકીના ઈ-મેલ સાથે આ કેસનો કોઈ સંબંધ છે કે નહીં.

કોર્ટમાં રિમાન્ડ અરજી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે, આરોપી અસફાકનો ગુનાહિત ઇતિહાસ છે. ધમકી માટે વપરાયેલું ઈ-મેલ આઈડી કોણે બનાવ્યું અને કયા હેતુથી ધમકી મોકલવામાં આવી, તે શોધવાની જરૂર છે. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ડીલીટ કરેલો ડેટા રિકવર કરવો પણ જરૂરી છે. વધુમાં, શાળા અને એરપોર્ટની ધમકીઓ સાથે આ આરોપીઓનું કનેક્શન છે કે અન્ય કોઈ સહ-આરોપી સામેલ છે કે નહીં, તે તપાસવા માટે 10 દિવસનો સમય જોઈએ છે.

બીજી તરફ, આરોપીઓના વકીલે રિમાન્ડનો વિરોધ કરતા કહ્યું કે, આરોપીઓએ તપાસમાં સહકાર આપ્યો છે અને તેઓ 24 કલાકથી પોલીસ કસ્ટડીમાં છે. ટેકનિકલ મામલા માટે તેમની શારીરિક હાજરી જરૂરી નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે, ગુનાની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બંનેને 13 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડમાં મોકલવાનો આદેશ આપ્યો.