સત્ય. સાહસ. સંકલ્પ.

કોર્પોરેટ હોસ્પિટલોમાં દવાની લૂંટ: 6,200 રૂપિયાની દવા 65,000માં વેચાય છે

કોર્પોરેટ હોસ્પિટલોમાં દવાની લૂંટ: 6,200 રૂપિયાની દવા 65,000માં વેચાય છે

દવાની પડતર કિંમત અને દર્દી પાસે વસૂલાતી કિંમત વચ્ચેનું અંતર કેટલું મોટું હોઈ શકે? ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલના જણાવ્યા મુજબ, એક સિરીંજની પડતર કિંમત 2 થી 5 રૂપિયા હોય છે, પણ કોર્પોરેટ હોસ્પિટલોમાં તેની એમઆરપી (MRP) 15 થી 17 રૂપિયા લખેલી હોય છે. તેવી જ રીતે આઈવી સેટની પડતર કિંમત 15 થી 16 રૂપિયા છે, જ્યારે એમઆરપી 300 થી 350 રૂપિયા છે. મોટી હોસ્પિટલો દર્દી પાસેથી પૂરેપૂરી એમઆરપી વસૂલે છે.

આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે કારણ કે ચાર દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે મોંઘીદાટ દવાઓ અંગે ફાર્મા કંપનીઓ સામે કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે કેન્સરની 2,700 રૂપિયાની દવાના 10 ગણા એટલે કે 27,000 રૂપિયા વસૂલાય છે, જે ખંડણી સિવાય બીજું કંઈ નથી. લોકો સારવાર માટે ઘર અને ઘરેણાં વેચે છે, પણ સરકાર મૌન સેવે છે.

જશવંત પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફાર્મા કંપનીની જે દવા 6,500 રૂપિયાની હોય છે તેની એમઆરપી 65,000 રૂપિયા છાપેલી હોય છે અને હોસ્પિટલમાં એ જ એમઆરપી પર વેચાય છે. કારણ કે હોસ્પિટલના ડૉક્ટર્સ પ્રિસ્ક્રિપ્શનમાં તે લખે છે અને તેનું વેચાણ પણ તેમના જ કેમિસ્ટ પાસે થાય છે.

તેમણે એક કિસ્સો ટાંક્યો: ભૂતકાળમાં એક કોર્પોરેટ હોસ્પિટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું હતું. દર્દીને ઇન્ફેક્શન ન થાય તે માટે પોષાકોનાઝોલ નામની એન્ટી ફંગલ દવા આપવાની હતી. એક સ્ટ્રીપમાં 5 ગોળી આવે છે, જેની પડતર કિંમત 815 રૂપિયા છે, પણ એમઆરપી 8,067 રૂપિયા છે. દર્દીને આવી 275 સ્ટ્રીપ ખરીદવાની હતી!

તેમણે ઇન્જેક્શનમાં કેન્સરની દવાના બદલે પાણી ભરેલું હોવાનો કિસ્સો પણ જણાવ્યો. બેંગલુરુની એક કંપનીએ દેશભરની 90થી વધુ હોસ્પિટલોમાં કેન્સરની દવા સપ્લાય કરી હતી. એક ઇન્જેક્શનની કિંમત 90 હજાર રૂપિયા હતી, પણ હકીકતમાં ઇન્જેક્શનમાં દવાના બદલે પાણી જ ભરેલું હતું. આ અંગે સરકાર તપાસ કરી રહી છે, પણ હજુ સુધી જાહેર થયું નથી કે કઈ હોસ્પિટલોમાં આ દવા વેચાઈ કે ખરીદાઈ.

જશવંત પટેલે કહ્યું કે આવા 250થી 300 પ્રોડક્ટ્સ છે, જેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ દવાઓ સામાન્ય વેપારી પાસે વેચાતી નથી; તે સીધી કંપનીમાંથી ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં સપ્લાય થાય છે અને દર્દી પાસેથી સીધા પૈસા લેવાય છે. એમઆરપીમાં ફેર છે, તેથી ભાવ પર કેપ હોવી જોઈએ.

તેમણે દાવો કર્યો કે આ બિઝનેસ મોટી હોસ્પિટલો અને તેમના મેડિકલ સ્ટોર્સ પાસે છે. 98% લોકો આ બિઝનેસ કરે છે, જ્યારે બાકીનો 2% બિઝનેસ દેશભરના આશરે 100 ડિસ્ટ્રીબ્યુટર્સ કરે છે. ડૉક્ટર્સ કંપનીઓને કહે છે કે દવા વેચવી હોય તો સ્ટોકિસ્ટ...