ગુજરાત કોંગ્રેસે 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન હેઠળ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે દેશભરમાં મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામો કમી થવા અને ફોર્મ-6ની જટિલતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયામાં થયેલા ફેરફારો સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારને હટાવવા, પારદર્શક નિમણૂક પ્રક્રિયા અને બેલેટ પેપરથી મતદાનની માંગ કરી છે.
પત્રકાર પરિષદમાં પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે દેશભરમાં મોટી સંખ્યામાં મતદારોનાં નામ કમી કરવામાં આવ્યાં છે. 30 રાજ્યોમાંથી 13 કરોડથી વધુ નામ દૂર કરવામાં આવ્યાં છે. ખાસ કરીને નવા મતદારો માટેના ફોર્મ-6માં એવા અસંવેદનશીલ ફેરફારો કરાયા છે કે 18 વર્ષના યુવાનને 25 વર્ષ પહેલાં (2003માં) તેમના માતા-પિતા કે દાદા-દાદીએ કયા બૂથ પરથી વોટ કર્યો હતો તેની વિગતો પૂછવામાં આવે છે, જેના કારણે લાખો લાયક યુવાનો મતદાનના અધિકારથી વંચિત રહી રહ્યા છે.
ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવતાં તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા લોકશાહીના પાયાના સ્તંભ છે. ડિસેમ્બર 2023માં કેન્દ્ર સરકારે કાયદામાં ફેરફાર કરીને સુપ્રીમ કોર્ટે સૂચવેલી સમિતિમાંથી સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને હટાવીને કેબિનેટ મંત્રીને સામેલ કર્યા, જેનાથી ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે ગંભીર સંકટ ઊભું થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે જ્ઞાનેશ કુમાર ત્યાં બેઠા છે, ત્યાં સુધી ન્યાયી ચૂંટણી શક્ય નથી, કારણ કે તેઓ માત્ર વર્તમાન શાસકોના કહેવા પર જ ચૂંટણી પ્રક્રિયા ચલાવી રહ્યા છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવામાં આવે, ચૂંટણી આયોગની નિમણૂક પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવે, કાયદો બદલવામાં આવે અને જેણે પણ ખોટું કામ કર્યું છે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગડબડી ન થાય તે માટે ફરીથી બેલેટ પેપર પર વોટિંગ શરૂ કરવામાં આવે.
આંદોલનની આગામી યોજનાઓની જાહેરાત કરતાં કોંગ્રેસે જણાવ્યું કે 25 ઓક્ટોબરે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી પત્રકાર પરિષદનો પ્રારંભ થયો છે. 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે વિશાળ દેશવ્યાપી રેલીનું આયોજન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વોટ રક્ષકની નિમણૂક કરવામાં આવશે અને બૂથદીઠ 'ચોપાલ મીટીંગો' યોજીને જનજાગૃતિ ફેલાવવામાં આવશે.