ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીની વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા સામે કોંગ્રેસે શુક્રવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે અસમ, દિલ્હી, ચંડીગઢ, પટના સહિત અનેક રાજ્યોમાં દેખાવો થયા. પોલીસે કેટલાક સ્થળોએ વોટર કેનનનો ઉપયોગ કર્યો અને અનેક નેતાઓની અટકાયત કરી. કોંગ્રેસે 13 કરોડ મતદારોના નામ યાદીમાંથી હટાવાયા હોવાનો દાવો કર્યો છે.
દેશભરમાં ચૂંટણી પંચ (ECI)ની કામગીરી અને મતદાર યાદીની SIR પ્રક્રિયાને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો CEC જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે.
શુક્રવારે અસમથી લઈને ચંડીગઢ, પટના અને દિલ્હી સુધી ઉગ્ર દેખાવો થયા. અસમ કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક અગ્રણી નેતાઓની અટકાયત કરવામાં આવી, જ્યારે કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો.
ચંડીગઢ અને પટના ખાતે રસ્તા પર ઉતરેલા કાર્યકરોને અટકાવવા પોલીસે પાણીનો મારો ચલાવ્યો. ગુવાહાટીમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા અસમ કોંગ્રેસ પ્રમુખ ગૌરવ ગોગોઈ અને અન્ય વરિષ્ઠ પક્ષીય નેતાઓની પોલીસે અટકાયત કરી. ચંડીગઢમાં પ્રદર્શન દરમિયાન પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વડિંગે આરોપ મૂક્યો કે દેશભરમાં મતોની ચોરી થઈ રહી છે અને એકલા પંજાબમાં 20 લાખ મતો કાઢી નાખવામાં આવ્યા છે. તેમણે SIR પ્રક્રિયા તુરંત અટકાવીને એફઆઈઆર નોંધવાની માંગ કરી.
નવી દિલ્હીમાં ચૂંટણી પંચની મુખ્ય કચેરી અને જંતર-મંતર બહાર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો, જ્યાં ભારતીય યુવા કોંગ્રેસ (IYC) અને કોંગ્રેસના કાર્યકરોએ મોરચો માંડ્યો. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી જેવા રાજ્યોમાં પણ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેખાવો કર્યા.
આ સમગ્ર વિવાદની શરૂઆત એક મીડિયા રિપોર્ટ બાદ થઈ છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં 14 વખત SIR પ્રક્રિયા સાથે જોડાયેલા નિર્ણયો પર ગંભીર આપત્તિઓ નોંધી હતી. આ વાંધાઓમાં મતદાર નોંધણી, નામો ઉમેરવા કે રદ કરવા અને ડેટાબેઝ સુધી પહોંચ જેવા સંવેદનશીલ મુદ્દાઓ સામેલ હતા.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી સહિત અનેક વિધાનસભા ચૂંટણીઓમાં ગેરરીતિ આચરવામાં આવી છે. વાયનાડ ખાતે પ્રતિક્રિયા આપતાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે દેશભરમાં 13 કરોડ મતદારોના નામ હટાવી દેવાયા હોવાના પુરાવા છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ કરવી એ દેશદ્રોહ સમાન ગંભીર કૃત્ય છે.
ચૂંટણી પંચે પોતાના સત્તાવાર નિવેદનમાં આંતરિક મતભેદના દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ બહુ-સદસ્યીય સંસ્થામાં વહીવટી સ્તરે સૂચનો અને પ્રતિભાવો મેળવવા તે એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. પંચે વધુમાં જણાવ્યું કે SIR પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અંતિમ નિર્ણયો સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતા.