સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા નિમણૂક માટે કોંગ્રેસે દિલ્હીથી નિરીક્ષક નિયુક્ત કર્યા

અમદાવાદ-વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા નિમણૂક માટે કોંગ્રેસે દિલ્હીથી નિરીક્ષક નિયુક્ત કર્યા

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાની નિમણૂક હજુ સુધી થઈ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ ૨૮ એપ્રિલે જાહેર થયા હતા, પરંતુ પાંચ મહિનાથી વધુ સમય વીતી ગયા છતાં કોંગ્રેસ આ બે મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા જાહેર કરી શકી નથી.

આ સમસ્યાના નિરાકરણ માટે પહેલીવાર કોંગ્રેસે દિલ્હી સ્થિત AICC દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે રાજસ્થાનના ગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરાને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકા માટે AICCના રાષ્ટ્રીય સેક્રેટરી ગોપીનાથ પલાનીયપનને નિરીક્ષકની જવાબદારી સોંપાઈ છે. આ નિરીક્ષકો સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરીને વિપક્ષ નેતાની પસંદગી કરશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૯૨માંથી ૧૬૦ બેઠકો ભાજપને અને ૩૨ બેઠકો કોંગ્રેસને મળી હતી. વડોદરા મહાનગરપાલિકામાં ૭૬માંથી ૬૯ બેઠકો ભાજપને, ૬ બેઠકો કોંગ્રેસને અને ૧ બેઠક અન્યને મળી હતી. જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતાની નિમણૂક પહેલેથી જ કરી દેવામાં આવી છે.

કોંગ્રેસના સ્થાનિક જૂથો પોતાના કોર્પોરેટરને વિપક્ષ નેતા બનાવવાની જીદ પર અડગ છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક મહિનાથી વધુ સમય પહેલા જ નામની પસંદગી માટે દિલ્હીમાં ચર્ચા થઈ ગઈ હોવા છતાં, આંતરિક વિવાદના કારણે નિર્ણય લંબાઈ ગયો હતો. હવે AICC દ્વારા નિરીક્ષક નીમવામાં આવતાં નજીકના સમયમાં વિપક્ષ નેતાની જાહેરાત થવાની શક્યતા છે.