ગુજરાતમાં વરસાદની અછત, ખેડૂતોની કથળતી સ્થિતિ અને સરકારની નીતિઓ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યભરમાં 'કિસાન અધિકાર ધરણાં'નું આયોજન કર્યું હતું. રાજકોટના ત્રિકોણબાગમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયેલા આ ધરણાંમાં પાંચ મુખ્ય માગણીઓ રજૂ કરવામાં આવી હતી.
અમિત ચાવડાએ કહ્યું કે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વરસાદ ઘણો ઓછો રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. સરકારે માત્ર ચાર જિલ્લાઓમાં અછત કે દુષ્કાળ જાહેર કર્યો છે, જે ખેડૂતોની મશ્કરી સમાન છે. ખેડૂતો લાંબા સમયથી ઓછા વરસાદની હાલાકી ભોગવી રહ્યા છે અને અછત જાહેર કરવાની માગ કરી રહ્યા છે, પણ સરકાર કોઈ નક્કર પગલાં લેતી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે આગળ જતાં લોકો માટે પીવાનું પાણી મેળવવું પણ મુશ્કેલ બનશે, ત્યારે પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા ક્યાંથી થશે તે મોટો પ્રશ્ન છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોએ દુષ્કાળ સમયે ટ્રેનો દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું હતું, પરંતુ વર્તમાન સરકાર પાસે આ બાબતે કોઈ પૂર્વ આયોજન નથી. તેમણે ચેતવણી આપી કે જો સરકાર માગ ન સ્વીકારે તો 15 દિવસમાં પશુઓ સાથે હિજરત કરવી પડે તેવી સ્થિતિ થઈ શકે છે અને આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે સરકાર ઉદ્યોગપતિઓના હજારો કરોડ રૂપિયાના દેવા માફ કરે છે, પરંતુ અન્નદાતા ખેડૂતોના દેવા માફ કરતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ખેડૂતો માત્ર વાયદા નહીં, રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.
રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ પણ ધરણાંમાં જોડાયા હતા.
વડોદરામાં ભરતસિંહ સોલંકીએ રાજ્ય સરકારની નીતિઓ પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે માત્ર ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું સંપૂર્ણપણે અપૂરતું છે અને ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા સમાન છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરતો કે સમયસર વરસાદ પડ્યો નથી, જેથી પાક નિષ્ફળ ગયો છે અને સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ નથી. તેમણે ઉમેર્યું કે ખાતર, બિયારણ, ડીઝલ અને ખેતીના સાધનોના વધતા ભાવ તથા પોષણક્ષમ ભાવ (MSP) ન મળવાને કારણે ખેડૂત દેવાના ડૂબણમાં ધકેલાઈ રહ્યો છે.
મહેસાણામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ધરણું અને સભા યોજાયા બાદ નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરીને જિલ્લા કલેક્ટરને ઉત્તર ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે સરકારે ઉતાવળિયો નિર્ણય લઈને માત્ર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને કચ્છ મળીને કુલ ચાર જિલ્લાઓને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જ્યારે ઉત્તર ગુજરાતના એક પણ જિલ્લાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમણે પશુઓ માટે ઘાસચારાની ભારે અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.