ચૂંટણી યાદીમાં સુધારણાની પ્રક્રિયા (SIR)માં ગેરરીતિના આક્ષેપોને લઈને કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને દિલ્હીમાં મોટું પ્રદર્શન કર્યું છે. આજે (1 નવેમ્બર) રામલીલા મેદાનમાં યોજાયેલી આ રેલીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
ગુજરાતથી પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દિલ્હી પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ જિલ્લા અને શહેર પ્રમુખોએ કાર્યકર્તાઓને બસો અને ખાનગી વાહનો દ્વારા દિલ્હી લઈ જવાની જવાબદારી નિભાવી હતી. અંદાજે 3,000થી વધુ કાર્યકર્તાઓ દિલ્હી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ સંગઠનના નેતાઓ પણ દિલ્હી પહોંચી ગયા છે.
રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત ઈન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓ જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપરાંત NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવા દળના કાર્યકર્તાઓ પણ ટ્રેન અને બસ મારફતે દિલ્હી પહોંચ્યા હતા.
SIR એટલે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની તપાસ અને અપડેટ કરવાની પ્રક્રિયા. તેનો હેતુ મૃત, ડુપ્લિકેટ અને અયોગ્ય મતદારોના નામ દૂર કરીને યોગ્ય મતદારોની યાદી તૈયાર કરવાનો છે. આ પ્રક્રિયા 2025-26માં શરૂ થઈ છે. વિપક્ષી દળો અને અનેક સામાજિક સંગઠનોનો આરોપ છે કે આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં યોગ્ય મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. આ મુદ્દે જ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં પ્રદર્શન થયું છે.