સત્ય. સાહસ. સંકલ્પ.

CEC રાજીનામું, SIR રદ અને બેલેટ પેપર: કોંગ્રેસની મોદી સરકારને 3 માંગણીઓ

CEC રાજીનામું, SIR રદ અને બેલેટ પેપર: કોંગ્રેસની મોદી સરકારને 3 માંગણીઓ

નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોમાં ભારે આક્રોશ છે. વિપક્ષો સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદારોના નામ કાપવાના મામલે અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવીને જ્ઞાનેશ કુમારનું સતત રાજીનામું માંગી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ CEC પર આકરા પ્રહારો કરીને ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે.

ખડગેએ સોમવારે ચૂંટણી પ્રક્રિયા અને વ્યવસ્થા અંગે પક્ષ તરફથી ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ એવી માંગણીઓ છે જેના પર કોઈપણ પ્રકારનું સમાધાન શક્ય નથી. આ માંગણીઓમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) રદ કરવું અને ઈવીએમને બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજવાનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે, આ મુદ્દાઓને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો અને ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે દેશના જુદા-જુદા ભાગોમાં જે નાગરિક સંગઠનો અને યુવા સંગઠનો આ મામલે અવાજ ઉઠાવી રહ્યા છે, પક્ષ તેમની સાથે મજબૂતીથી ઊભો છે.

દેશની રાજધાની દિલ્હીમાં મહિલા પત્રકારો સાથે બનેલી કથિત ઘટના અંગે પણ ખડગેએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપે દિલ્હીમાં મહિલા પત્રકારોને હેરાન કરી છે, જે અત્યંત નિંદનીય છે. તેમણે આરોપ લગાવ્યો કે, સત્તા ખૂબ ગભરાઈ ગઈ છે અને લોકોનું ધ્યાન ભટકાવવા માટેના ષડયંત્રો ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 3 ઑક્ટોબરના રોજ રાજધાનીમાં 'ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન' અને અન્ય જૂથો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે SIR પ્રક્રિયાને લઈને ભારે દેખાવો થયા હતા. જંતર-મંતર પાસે થયેલા આ પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષા નેહા બોરા તેમજ વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણ સહિત અનેક પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ નેહા યાદવના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક હુકમો લાગુ હોવાથી પ્રદર્શનકારીઓને સ્થળ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આદેશનું પાલન ન થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન, અટકાયત કરાયા બાદ પોતાને પત્રકાર ગણાવતી ત્રણ મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી કે સ્થળ પર કાયદો-વ્યવસ્થા જાળવણી દરમિયાન પોલીસકર્મીઓએ તેમની સાથે ગેરવર્તણૂક અને જાતીય સતામણી કરી હતી.