ગાંધીનગર મનપાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પોલિટિકલ અફેર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વરિષ્ઠ નેતાઓ અને અગ્રણી કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. ચૂંટણી માટે નિયુક્ત ચાર પ્રભારી મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં સંગઠન મજબૂત કરવા, સ્થાનિક મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવા અને ભાજપને પડકારવાની રણનીતિ અંગે ચર્ચા થઈ.
બેઠક બાદ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. તેમણે સરકાર પર પ્રજાના પૈસે પોતાની વાહવાહી કરવાના કાર્યક્રમો યોજવાનો આરોપ લગાવ્યો. ચાવડાએ દાવો કર્યો કે ગુજરાતના લગભગ 50 ટકા વિસ્તારોમાં પૂરતો વરસાદ નથી થયો, જેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.
તેમણે શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, આ પ્રણાલી પરથી વિદ્યાર્થીઓ, યુવાનો અને વાલીઓનો વિશ્વાસ ઉઠી ગયો છે. યુવાનોમાં સરકાર સામે અસંતોષ છે અને 'આખી જનરેશન રસ્તા પર ઉતરી છે' તેવો આક્ષેપ પણ તેમણે કર્યો.
ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત કરવા અને લોકોના પ્રશ્નોને ચૂંટણીનો મુદ્દો બનાવવા પર ભાર મૂકાયો હતો. આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ કાર્યક્રમો અને સંગઠનાત્મક કામગીરી હાથ ધરે તેવી શક્યતા છે.