પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સંયુક્ત સભા યોજાઈ હતી. આ સભા ભાજપના સત્તાવાર કાર્યક્રમની સમાંતર યોજાઈ હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત AAP નેતાઓ ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયા એક જ મંચ પર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ દ્વારા AAPને ભાજપની 'બી ટીમ' ગણાવવામાં આવી હતી, ત્યારે હવે બંને પક્ષોના નેતાઓ એક સાથે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
સભામાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત યુવા નેતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં AAP નેતાઓ ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયાની કામગીરીના જાહેરમાં વખાણ કરવામાં આવતા રાજકીય તર્ક-વિતર્ક વધ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, "મોરવા હડફ, પંચમહાલ અને ગોધરા મારો જૂનો લોકસભા મતવિસ્તાર છે. બિરસા મુંડાની જન્મજયંતીએ તેમની પ્રતિમાના દર્શન કર્યા. આદિવાસી સમાજ આજે પણ પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જીવે છે. તેઓ જળ, જમીન અને જંગલના સાચા માલિક છે. પરંતુ આજે આદિવાસી વિસ્તારોમાં પાણી, શિક્ષણ, લાઇટ, દવાખાના અને યોગ્ય રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. બનાવટી આદિવાસી બનીને લાભ લેનારા લોકો અંગે પણ ચિંતા છે. સરકારે આ મામલે વિચાર કરીને કેટલાક નિયમો બનાવવા જોઈએ. તેમજ જંગલ ખાતું જંગલનો માલિક નથી, માલિક તો આ સ્થાનિક લોકો છે, તેમને હેરાન ન કરવા જોઈએ. હવે આગામી ચૂંટણીમાં શું થશે તે આપ સૌ નક્કી કરશો."
આ સભા દરમિયાન વિપક્ષી નેતાઓએ આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને ધ્યાન દેવા જણાવ્યું હતું.