ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં રાજકીય હલચલ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ચૂંટણી થવાની છે. સત્તાવાર જાહેરાત બાકી છે, પણ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધન અંગે પડદા પાછળ ચર્ચા ચાલી રહી છે. બંને પક્ષો બેઠક વહેંચણી અંગે વાટાઘાટો કરી શકે છે. જો વિપક્ષ સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપ સામેનું ચૂંટણી ગણિત બદલાઈ શકે છે.
2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો જીતી હતી. ત્યારે ત્રિપાંખિયા જંગમાં વિપક્ષી મતોના વિભાજનથી ભાજપને ફાયદો થયો હતો. હવે જો કોંગ્રેસ અને AAP ગઠબંધન કરે તો મતવિભાજન રોકાઈ શકે છે અને કેટલીક બેઠકો પર પરિણામ બદલાઈ શકે છે.
આ પરિસ્થિતિ ભાજપના કોર્પોરેટરો માટે ચિંતાનો વિષય બની છે. ખાસ કરીને જ્યાં અગાઉ વિપક્ષના ઉમેદવારો વચ્ચે મતભેદને કારણે ભાજપને ફાયદો થયો હતો, ત્યાં હવે પડકાર વધી શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગઠબંધન થાય તો ભાજપના ઘણા કોર્પોરેટરોની બેઠક જોખમમાં મૂકાઈ શકે છે.