લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 2029ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને મજબૂત કરવામાં જોતરાયા છે. તેમણે પાર્ટીમાં નિમણૂકોની જૂની પદ્ધતિમાં ફેરફાર કરીને, ભલામણોને બદલે યોગ્યતાના આધારે યુવા ટીમ તૈયાર કરવાનું શરૂ કર્યું છે.
તાજેતરમાં, રાહુલ ગાંધીએ પાર્ટી સચિવના પદ માટે ઉમેદવારોના બે દિવસ સુધી ઇન્ટરવ્યૂ લીધા હતા. આ પ્રક્રિયામાં તેમણે વરિષ્ઠ નેતાઓની ભલામણોને ધ્યાનમાં લીધા વિના, સીધી રીતે લાયક ઉમેદવારોની પસંદગી કરી છે. જૂની પરંપરાથી અલગ આ પગલું, પાર્ટીમાં નિર્ણયમાં રાહુલની સક્રિય ભૂમિકા દર્શાવે છે.
આ નવી ટીમના ભાગરૂપે, પંજાબમાં આંતરિક જૂથવાદને ડામવા સચિન પાઇલટને પ્રભારી બનાવાયા છે, જ્યારે ગુજરાતમાં ભાજપા સામે આક્રમક રણનીતિ માટે રણદીપ સુરજેવાલાને કામગીરી સોંપવામાં આવી છે. સુરજેવાલા તેમના તીખા પ્રહારો માટે જાણીતા છે.
આ ફેરફારો પંજાબ અને ગુજરાત પૂરતા મર્યાદિત નથી. આગામી દિવસોમાં વધુ નિમણૂકો થવાની શક્યતા છે. આ રીતે, રાહુલ ગાંધી 2029ની ચૂંટણી માટે પોતાની ટીમમાં વિશ્વાસપાત્ર અને જમીની સ્તરે કામ કરી શકે તેવા નેતાઓને પ્રાથમિકતા આપી રહ્યા છે.