આફ્રિકી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની સૈન્ય અદાલતે 66 સૈનિકોને ફાંસીની સજા સંભળાવી છે. તેમના પર કાયરતા, બળવો અને વરિષ્ઠ અધિકારીઓના આદેશોનો અનાદર કરવાનો આરોપ હતો. મિશન દરમિયાન શિસ્ત સુનિશ્ચિત કરવાના હેતુથી યોજાયેલી સુનાવણીમાં કુલ 71 સૈનિકો સામે કેસ ચાલ્યો હતો.
અદાલતના ચુકાદા મુજબ, 66 સૈનિકોને મૃત્યુદંડ, એક સૈનિકને 10 વર્ષની જેલ અને ચાર સૈનિકોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા છે.
શું હતો આરોપ?
પૂર્વ ડીઆર કોંગોનો વિસ્તાર છેલ્લા કેટલાક દાયકાઓથી હિંસક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે. સરકારી સેના અને 'ફ્રન્ટ ફોર ધ રિફાઉન્ડેશન ઓફ ધ નેશન' (FRN) નામના વિદ્રોહી ગઠબંધન વચ્ચે અથડામણ ચાલુ છે, જેમાં ચર્ચિત M23 જૂથ પણ સામેલ છે.
અહેવાલો અનુસાર, 20 ઓક્ટોબરે વાલિકલે વિસ્તારમાં આ સૈનિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે FRNના લડવૈયાઓ સાથે હિંસક અથડામણ થઈ ત્યારે તેઓ પોતાની સુરક્ષા ચોકીઓ છોડીને રણમેદાનમાંથી ભાગી ગયા હતા.
સેનામાં શિસ્તની સમસ્યા
M23 સહિતના વિદ્રોહી સંગઠનો સામે કોંગોની સેનાનું અભિયાન આંતરિક અરાજકતા અને નબળી શિસ્તના કારણે લાંબા સમયથી નબળું પડ્યું છે. કોંગો સરકારે વારંવાર પડોશી દેશ રવાન્ડા પર M23 જૂથને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ રવાન્ડા સરકાર અને વિદ્રોહીઓ બંને આ આરોપોને નકારે છે.
એક તરફ સેનાને તેની કાર્યશૈલી અને અનુશાસન માટે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ સૈનિકોની ફરિયાદ છે કે તેમને ખૂબ ઓછું વેતન મળે છે અને યુદ્ધ માટે પૂરતા આધુનિક શસ્ત્રો કે લશ્કરી સાધનો આપવામાં આવતા નથી.
બે વર્ષમાં 381 સૈનિકોને મૃત્યુદંડ
ગયા મહિને પણ વિદ્રોહીઓ સામેની લડાઈ દરમિયાન મોરચો છોડીને ભાગી જવાના આરોપસર 27 સૈનિકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. એક ખાનગી એજન્સી દ્વારા એકત્ર કરાયેલા આંકડા અનુસાર, 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 507 સૈનિકોને દોષિત ઠેરવાયા છે, જેમાંથી 381ને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં ડીઆર કોંગો સરકારે સેનામાં ઘૂસેલા 'દેશદ્રોહીઓ' અને કાયરો સામે કાર્યવાહી કરવા માટે મૃત્યુદંડ પર મૂકાયેલા 20 વર્ષ જૂના પ્રતિબંધને હટાવી દીધો હતો.