કોંગોના પૂર્વ શહેર બુકાવુમાં ગુરુવારે એક દુઃખદ ઘટના બની, જ્યારે નજીકના ઘરમાંથી લાગેલી આગ બે શાળાઓ સુધી ફેલાઈ ગઈ. આ આગમાં 26 વિદ્યાર્થીઓના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત પાડોશના એક ઘરમાંથી થઈ હતી. વિસ્તાર ખૂબ ગીચ છે અને મોટાભાગના ઘર લાકડાના બનેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ. થોડી જ વારમાં આગ ફુરાહા સેકેન્ડરી સ્કૂલ અને ઉજામા પ્રાઇમરી સ્કૂલ સુધી પહોંચી ગઈ.
પ્રાંતિય સરકારના આંકડા મુજબ, મૃતકોમાં 19 છોકરીઓ અને 7 છોકરાઓનો સમાવેશ થાય છે. આગ અચાનક ફાટી નીકળતાં અને ધૂમાડાથી ભરાયેલા વાતાવરણમાં કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં ફસાઈ ગયા, જેના કારણે શ્વાસ રૂંધાવાથી તેમનું મોત થયું.
શાળામાંથી બહાર નીકળવાના રસ્તા સાંકડા હોવાથી આગ લાગ્યા બાદ ભારે અફરાતફરી મચી ગઈ. જીવ બચાવવા દોડતી વખતે કેટલાક વિદ્યાર્થીઓ નીચે પડી ગયા અને નાસભાગમાં દબાઈ જવાથી પણ તેમના મોત થયા. જીવ બચાવવા માટે ઘણા વિદ્યાર્થીઓએ બારીઓમાંથી છલાંગ લગાવી હતી.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. દર્દીઓની સંખ્યા વધારે હોવાથી તબીબી સ્ટાફને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક સ્તરે રાહત અને બચાવ કાર્ય હજુ ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.