પૂર્વ કોંગોના કિવુ તળાવમાં વેપારીઓને લઈ જતી એક હોડી પલટી જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ કિવુ પ્રાંતના ઇદજ્વી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે.
કિસ્કેહે ગામના વડા ફેલિક્સ હાબિરાગીએ જણાવ્યું કે હોડીમાં 50થી વધુ લોકો સવાર હતા. ઘટના બાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે, પરંતુ હજુ ઘણા લોકો ગુમ છે, જેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. શોધખોળ ચાલુ છે.
હોડી કયા કારણોસર પલટી ગઈ તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કિવુ તળાવમાં આ પહેલાં પણ આવી હોડી દુર્ઘટનાઓ બનતી રહી છે, જેમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા અને સુરક્ષા વ્યવસ્થાના અભાવ જેવા પ્રશ્નો વારંવાર સામે આવ્યા છે.