અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. શુક્રવારે યોજાયેલી સેમિફાઇનલમાં બંને ટીમોએ તેમના પ્રતિસ્પર્ધીઓને સરળતાથી હરાવ્યા હતા.
પુરુષોની સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 56-27થી હરાવ્યું હતું. ભારતીય ખેલાડીઓએ રેઇડ અને ડિફેન્સ બંનેમાં દબદબો જાળવી રાખ્યો હતો. ભારતે રેઇડ પોઇન્ટ્સમાં 37-23 અને ટેકલ પોઇન્ટ્સમાં 12-4ની સરસાઈ મેળવી હતી. ભારતે ત્રણ વખત બાંગ્લાદેશને ઓલઆઉટ કર્યું હતું. ભારત તરફથી ભરત હુડાએ 13 અને શિવમ પટારેએ 11 પોઇન્ટ મેળવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી દીપાયન ગોલ્ડરે 11 અને મો. મિઝાનુર રહેમાને 8 પોઇન્ટ મેળવ્યા હતા. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટમાં સતત સાતમી જીત નોંધાવીને અજેય રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
મહિલાઓની સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 39-14થી હરાવ્યું હતું. ભારતીય ડિફેન્સે શરૂઆતથી જ શ્રીલંકાની રેઇડર્સને રોકી રાખી હતી, જ્યારે આક્રમણમાં પણ ભારતીય ખેલાડીઓએ અસરકારક રમત બતાવી હતી. ભારતે રેઇડ પોઇન્ટ્સમાં 21-10ની સરસાઈ મેળવી હતી. સાક્ષીએ 11 અને નિધિ શર્માએ 10 પોઇન્ટ મેળવીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા ડિફેન્સમાં માત્ર ચાર પોઇન્ટ મેળવી શક્યું હતું, જ્યારે ભારતે 12 ટેકલ પોઇન્ટ નોંધાવ્યા હતા. ભારતે ત્રણ વખત શ્રીલંકાને ઓલઆઉટ કરીને ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું હતું.
અન્ય સેમિફાઇનલમાં પુરુષોની બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાએ કેન્યાને 28-24થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં શ્રીલંકાએ ચાર પોઇન્ટની સરસાઈ મેળવી હતી, પરંતુ કેન્યાના હેલ્વિક વાંજાલાએ પાંચ પોઇન્ટની શાનદાર રેઇડ કરીને મેચમાં વાપસી કરાવી હતી. જોકે, શ્રીલંકાએ અંત સુધી નિયંત્રણ જાળવી રાખ્યું અને ચાર પોઇન્ટના અંતરથી જીત મેળવી હતી. હવે પુરુષોની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટાઇટલ મેચ રમાશે.
મહિલાઓની બીજી સેમિફાઇનલમાં યુગાન્ડાએ કેન્યાને 23-21થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બંને ટીમ વચ્ચે શરૂઆતથી જ સખત ટક્કર જોવા મળી હતી. પ્રથમ હાફના અંતમાં યુગાન્ડાએ ઓલઆઉટ કરીને ત્રણ પોઇન્ટની સરસાઈ મેળવી હતી. બીજા હાફમાં કેન્યાએ જોરદાર વાપસી કરી હતી અને લવેન્ડા ઓધિયામ્બોએ શાનદાર પ્રદર્શન કરીને થોડા સમય માટે કેન્યાને આગેવાની અપાવી હતી. જોકે, અંતિમ ક્ષણોમાં યુગાન્ડાએ સફળ ટેકલ કરીને બે પોઇન્ટથી રોમાંચક જીત મેળવી હતી. યુગાન્ડા તરફથી શીરત નાકાયોંગો અને નાહિયા નાલવોગાએ આઠ-આઠ પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે કેન્યા તરફથી લવેન્ડા ઓધિયામ્બોએ 16 પોઇન્ટ નોંધાવ્યા હતા.
આજે શનિવારે, 31 ઓક્ટોબરે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બંને ટાઇટલ મેચ રમાશે. મહિલા ફાઇનલમાં સાંજે 7:30 વાગ્યે ભારતનો સામનો યુગાન્ડા સામે થશે, જ્યારે પુરુષોની ફાઇનલ રાત્રે 9 વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શુક્રવારે મેચ નિહાળી હતી.