અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 'કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026'ની પ્રથમ આવૃત્તિના બીજા દિવસે ભારતીય ટીમોએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભારતીય પુરુષ ટીમે યુગાન્ડાને 44-30થી હરાવ્યું હતું, જ્યારે ભારતીય મહિલા ટીમે સિંગાપોર સામે 32-16થી વિજય મેળવ્યો હતો.
પુરુષ વર્ગની મેચની શરૂઆતમાં બંને ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. શરૂઆતમાં યુગાન્ડાએ સ્કોર 3-4 સુધી પહોંચાડ્યો હતો, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ આક્રમક રેડ અને મજબૂત ડિફેન્સના આધારે મેચ પર પકડ બનાવી લીધી હતી. ભારતે યુગાન્ડાને ઓલઆઉટ કરીને 13-4ની સરસાઈ મેળવી હતી અને અંત સુધી લીડ જાળવી રાખીને 44-30થી જીત મેળવી હતી.
ભારત તરફથી શિવમ પટારેએ સર્વાધિક 8 પોઈન્ટ્સ મેળવ્યા હતા. નવીન કુમાર અને ભરતે 6-6 પોઈન્ટ્સ તેમજ આદિત્ય શિંદે અને પંકજ મોહિતેએ 4-4 પોઈન્ટ્સ મેળવીને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
મહિલા વર્ગની મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવીને સિંગાપોરને કોઈ તક આપી નહોતી. ભારતીય મહિલા ટીમે 32-16ના અંતરથી વિજય મેળવ્યો હતો. ભારત તરફથી સાક્ષીએ સર્વાધિક 6 પોઈન્ટ્સ મેળવ્યા હતા, જ્યારે રેણુકા, અનુ અને સુમને 4-4 પોઈન્ટ્સ અને કેપ્ટન નિધિ શર્માએ 3 પોઈન્ટ્સ નોંધાવ્યા હતા. સિંગાપોર તરફથી આરતી સેલ્વને 4 પોઈન્ટ્સ મેળવ્યા હોવા છતાં ટીમ ભારતીય રક્ષણ સામે ટકી શકી નહોતી.
ચેમ્પિયનશિપના આગળના તબક્કામાં રવિવારે ભારતીય ટીમો ફરી મેદાન પર ઉતરશે. મહિલા ટીમ સાંજે 6:45 વાગ્યે યુગાન્ડા સામે અને પુરુષ ટીમ રાત્રે 8:00 વાગ્યે મલેશિયા સામે રમશે. આ મેચોનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયોહોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે.