અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શુક્રવારથી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે યજમાન ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ વિજય સાથે શરૂઆત કરી છે. પુરુષ વર્ગમાં ભારતે ઇંગ્લેન્ડને 46-26થી હરાવ્યું, જ્યારે મહિલા વર્ગમાં ભારતે મલેશિયાને 73-13ના મોટા અંતરથી પરાજય આપ્યો.
મહિલા ટીમે મલેશિયા સામે શરૂઆતથી જ દબદબો જમાવ્યો હતો. ભારતીય ટીમે 40 રેઇડ પોઈન્ટ અને 20 ટેકલ પોઈન્ટ મેળવીને કુલ 73 પોઈન્ટ કર્યા હતા, જ્યારે મલેશિયા માત્ર 13 પોઈન્ટ સુધી જ પહોંચી શક્યું હતું. ભારત તરફથી સાક્ષીએ સૌથી વધુ 13 પોઈન્ટ મેળવ્યા, રેણુકાએ 9 અને નિધિ શર્માએ 8 પોઈન્ટનું યોગદાન આપ્યું. ભારતીય ટીમે મલેશિયાને છ વખત ઓલ-આઉટ કર્યું હતું.
પુરુષોની મેચમાં ઇંગ્લેન્ડે પણ સારી ટક્કર આપી હતી. પ્રથમ હાફ સુધી ભારત 23-9થી આગળ હતું, પરંતુ બીજા હાફમાં ઇંગ્લેન્ડે આક્રમક રમત દાખવીને અંતર ઘટાડીને 30-21 કરી દીધું હતું. જોકે, ભારતીય ખેલાડીઓએ દબાણમાં સંયમ જાળવીને સળંગ બે સફળ રેઇડ અને એક ટેકલની મદદથી ફરી પકડ મજબૂત કરી હતી અને ઇંગ્લેન્ડને ઓલ-આઉટ કરીને 46-26થી વિજય મેળવ્યો હતો. નવીન કુમારે 12 અને નીરજ નરવાલે 11 પોઈન્ટ મેળવ્યા હતા.
દિવસની અંતિમ મેચમાં યુગાન્ડાની પુરુષ ટીમે હાફ-ટાઇમ સુધી મલેશિયા સામે 24-14ની લીડ મેળવી હતી.
ચેમ્પિયનશિપના બીજા દિવસે શનિવારે ભારતીય મહિલા ટીમ સાંજે 6:45 વાગ્યે સિંગાપોર સામે અને ભારતીય પુરુષ ટીમ રાત્રે 8:30 વાગ્યે યુગાન્ડા સામે રમશે. આ મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયોહોટસ્ટાર પર થશે.