ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં આગામી 23 ઓક્ટોબરથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ 23થી 31 ઓક્ટોબર સુધી વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની પહેલા અમદાવાદ માટે આ એક મોટી આંતરરાષ્ટ્રીય ક્રીડા સ્પર્ધા છે.
એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા (AKFI) દ્વારા ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF)ની મંજૂરી સાથે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ 9 દિવસીય ટુર્નામેન્ટમાં 13 દેશોની 23 ટીમો ભાગ લેશે, જેમાં 400થી વધુ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. કુલ 62 મેચો રમાશે, જેમાં 39 પુરુષોની અને 23 મહિલાઓની મેચોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત બંને કેટેગરીમાં કોમનવેલ્થ ચેમ્પિયન્સને તાજ પહેરાવવામાં આવશે. 30 ઓક્ટોબરે સેમિફાઇનલ અને 31 ઓક્ટોબરે ગ્રાન્ડ ફાઇનલ રમાશે.
બુધવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જર્સી, એન્થમ, લોગો અને માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતીય પુરુષ ટીમના કેપ્ટન સ્ટાર ડિફેન્ડર સુરજીત સિંહ હશે, જ્યારે નવીન કુમાર વાઇસ-કેપ્ટન રહેશે. મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશે અને રિતુ વાઇસ-કેપ્ટન તરીકે ફરજ બજાવશે. ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, નાઇજીરીયા, કેન્યા, તાન્ઝાનિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, યુગાન્ડા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો ભાગ લઈ રહી છે.
આ ચેમ્પિયનશિપ 'One Breath. One Raid. One Commonwealth.' થીમ પર રમાશે. તેનો હેતુ કોમનવેલ્થ ગેમ્સમાં કબડ્ડીના સમાવેશ માટેની દાવેદારીને વધુ મજબૂત બનાવવાનો છે. AKFIના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પ્રાણ સિંહ ઠાકુરે જણાવ્યું કે, “અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ ચેમ્પિયનશિપની યજમાની કરવી એ ભારતીય કબડ્ડી માટે ગર્વની ક્ષણ છે.” IKFના જનરલ સેક્રેટરી તેજસ્વી ગેહલોતે આને કબડ્ડીની આંતરરાષ્ટ્રીય પહોંચ વધારવા અને ખેલાડીઓને નવું વૈશ્વિક પ્લેટફોર્મ આપવાનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
કબડ્ડી ચાહકો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ મેચો મફતમાં નિહાળી શકશે. જોકે, દર્શકોએ 'Thumpn' પ્લેટફોર્મ પર અગાઉથી ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જેઓ ઘરે બેઠા મેચ જોવા માંગે છે, તેઓ JioHotstar પર લાઇવ સ્ટ્રીમિંગ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિવિઝન કવરેજ માણી શકશે.