સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: કોમેડી કિંગ ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત, વીડિયો પોસ્ટ કર્યાના 4 કલાક બાદ ઘટના

અમદાવાદ: કોમેડી કિંગ ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત, વીડિયો પોસ્ટ કર્યાના 4 કલાક બાદ ઘટના

વાવ-થરાદ પંથકના પ્રખ્યાત સોશિયલ મીડિયા કોમેડી કલાકાર ચંદન રાઠોડ, જે 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા હતા, તેમનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. ભાભર પાસે બે બાઇક વચ્ચે સામસામે થયેલા અકસ્માતમાં તેમનું અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સુઈગામના વતની ચંદન રાઠોડ સમગ્ર ગુજરાતમાં કોમેડી કિંગ તરીકે ખૂબ પ્રખ્યાત હતા.

અકસ્માતના માત્ર 4 કલાક પહેલા જ ચંદન રાઠોડે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, "જેનો કોઈ ભરોસો નથી એ જ છે જિંદગી અને જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ છે મોત." આ વીડિયો પોસ્ટ કર્યાના ગણતરીના 4 કલાક બાદ જ તેમનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને ચાહકોમાં ઘેરી નિરાશા અને અરેરાટી વ્યાપી ગઈ છે.

ચંદન રાઠોડના કોમેડી વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવતા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1.8 મિલિયન ફોલોઅર્સ છે, ફેસબુક પર સાડા ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર 10 લાખ ફોલોઅર્સ છે.

ચંદન રાઠોડના મોતના સમાચારથી તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. તેમના વીડિયોમાં કોમેડીની સાથે સાથે ઘણીવાર સામાજિક સંદેશ પણ હતો. તેમની ગામઠી બોલી લોકોને ખૂબ પસંદ આવતી હતી, જેના કારણે તેમને ખૂબ લોકપ્રિયતા મળી હતી.

ચંદન રાઠોડ માત્ર સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતા ન હતા, પરંતુ તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમની બોલવાની આગવી છટા લોકોને ખૂબ પસંદ આવી હતી.