સત્ય. સાહસ. સંકલ્પ.

કોલંબિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં ભૂસ્ખલન: 14 શ્રમિકોના મોત, 7 ઘાયલ

કોલંબિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં ભૂસ્ખલન: 14 શ્રમિકોના મોત, 7 ઘાયલ

કોલંબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક ગેરકાયદે સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ઇક્વાડોર સરહદ નજીક આવેલા નારિનો વિસ્તારમાં બની હતી.

સ્થાનિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે કાટમાળમાંથી તમામ મૃતદેહો અને બચી ગયેલા લોકોને બહાર કાઢી લેવાયા છે. હવે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

સ્થાનિક ગવર્નર કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળની કઠિન ભૌગોલિક પરિસ્થિતિ અને આ વિસ્તારમાં સક્રિય ગુનાહિત સશસ્ત્ર જૂથોની હાજરીને કારણે રાહત અને બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં લોકો અને જેસીબી મશીનની મદદથી ખાણમાંથી મૃતદેહો બહાર કાઢીને નજીકની નદીમાં આવેલી નાની હોડીઓ મારફતે ખસેડવામાં આવતા નજરે પડ્યા હતા.

કોલંબિયામાં સરકારી નિયમો અને સુરક્ષા ધોરણોના અભાવે આવી ખાણ દુર્ઘટનાઓ અવારનવાર સર્જાય છે. નારિનો વિસ્તાર ગેરકાયદે ખાણકામ, ડ્રગ્સની તસ્કરી અને વસૂલી ચલાવતા ગેરકાયદે જૂથોનો ગઢ માનવામાં આવે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, રોજીરોટીના અન્ય કોઈ સાધનો ન હોવાથી સ્થાનિક લોકો પોતાના જીવના જોખમે આવા જોખમી ગેરકાયદે ખાણકામ સાથે જોડાવા મજબૂર બને છે.