આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ દિવસમાં બે અનુભવી ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કોલિન ઇન્ગ્રામે વ્યાવસાયિક ક્રિકેટમાંથી કાયમી વિદાય લેવાનો નિર્ણય લીધો છે, જ્યારે ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વુડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બંને ખેલાડીઓએ પોતાની રાષ્ટ્રીય ટીમ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
41 વર્ષીય કોલિન ઇન્ગ્રામે 20 વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટ રમ્યા બાદ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું છે. તે ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં આ સિઝનના અંત સુધી ગ્લેમોર્ગન ટીમ માટે રમશે. 2015માં ગ્લેમોર્ગન સાથે જોડાયા બાદ તેણે 11 સીઝન પૂરી કરી છે. ગ્લેમોર્ગનના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપનારા વિદેશી ખેલાડીઓમાં તેનું નામ આગળ છે. તેણે આ ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં કુલ 31 સદી ફટકારી છે. 2025માં ગ્લેમોર્ગનને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પ્રમોશન અપાવવામાં પણ તેણે સૌથી વધુ રન કરીને મહત્વની ભૂમિકા ભજવી હતી.
કોલિન ઇન્ગ્રામે 2010માં દક્ષિણ આફ્રિકા માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબી ન રહી, પણ મર્યાદિત ઓવરના ક્રિકેટ અને ફ્રેન્ચાઇઝી લીગમાં તેણે અલગ ઓળખ બનાવી. નિવૃત્તિ બાદ તે ક્રિકેટથી સંપૂર્ણ દૂર નહીં થાય, પણ કોચિંગ શરૂ કરીને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે.
બીજી તરફ, ઇંગ્લેન્ડના 36 વર્ષીય ફાસ્ટ બોલર માર્ક વુડે વારંવારની ઇજાઓથી કંટાળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. 11 વર્ષની કારકિર્દીમાં તેણે 38 ટેસ્ટ, 70 વનડે અને 38 ટી20 મળીને કુલ 253 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. તે ઇંગ્લેન્ડની 2019 વનડે વર્લ્ડ કપ અને 2022 ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો મહત્વનો ભાગ હતો. શારીરિક ઇજાઓ અને ફિટનેસની સમસ્યાને કારણે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે.