સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-ગાંધીનગરમાં કોડીનયુક્ત દવાઓ સામે કાર્યવાહી: 7 પેઢીને નોટિસ, 83 લાખનો જથ્થો જપ્ત

અમદાવાદ-ગાંધીનગરમાં કોડીનયુક્ત દવાઓ સામે કાર્યવાહી: 7 પેઢીને નોટિસ, 83 લાખનો જથ્થો જપ્ત

અમદાવાદ અને ગાંધીનગરમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે કડક પગલાં લીધાં છે. વિશેષ ઝુંબેશમાં ₹83 લાખથી વધુનો દવાનો જથ્થો જપ્ત કરાયો છે.

આ તપાસ દરમિયાન 7 વેપારી પેઢીઓને શો-કોઝ નોટિસ અપાઈ છે, જ્યારે એક પેઢીનું વેચાણ લાયસન્સ રદ કરી દેવાયું છે. તંત્રની આ કાર્યવાહીથી ગેરરીતિ આચરતા દવા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

બાલાજી ફાર્મા પાસેથી 37,762 બોટલ રેક્સટોન-ટી સીરપ મળી આવી હતી, જે જપ્ત કરીને નોટિસ આપવામાં આવી છે. હેલ્થ પોઇન્ટ ફાર્મા (કલોલ) એ કારણદર્શક નોટિસનો સંતોષકારક ખુલાસો ન આપ્યો હોવાથી તેનો પરવાનો રદ કરાયો છે.

જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી આર ટસ ટીડી સીરપની 57 બોટલ (₹9,006 કિંમત) મળી આવી હતી. ફાર્માલિન લાઇફસાયન્સિસ (ચાંગોદર), રેઇન રેમેડીઝ (સાંતેજ), એચઆરડીએમ ગ્લોબલ સોલ્યુશન્સ (અમદાવાદ) અને કૃષ્ણા ફાર્મા (કઠવાડા) ને બિલિંગ અને સ્ટોકની ક્ષતિઓ બદલ શો-કોઝ નોટિસ અપાઈ છે.

તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કોડીનયુક્ત દવાઓનો દારૂ કે અન્ય નશીલા પદાર્થો સાથે ઉપયોગ અત્યંત ઘાતક બની શકે છે. તંત્રનો આ કાળો બજાર અને ગેરકાયદેસર વેચાણ અટકાવવાનો પ્રયાસ છે.