પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવી કાર ખરીદનારા માટે સૌથી મોટો સવાલ એ છે કે CNG કાર લેવી કે ઈલેક્ટ્રિક કાર (EV). બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. જો તમારું રોજનું ડ્રાઇવિંગ 50 કિમી આસપાસ હોય, તો કયો વિકલ્પ તમારા માટે સારો રહેશે? ચાલો ટાટા પંચ (Tata Punch) ના ઉદાહરણથી સમજીએ.
શરૂઆતની કિંમતમાં તફાવત
CNG અને EV વચ્ચે સૌથી મોટો તફાવત તેમની શરૂઆતની કિંમતમાં છે. સામાન્ય રીતે CNG કાર તેના પેટ્રોલ વર્ઝન કરતાં 80,000 થી 1 લાખ રૂપિયા મોંઘી હોય છે. જ્યારે ઈલેક્ટ્રિક વર્ઝન 3 થી 4 લાખ રૂપિયા સુધી મોંઘું પડે છે.
ઉદાહરણ તરીકે, ટાટા પંચ iCNGની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 7.25 લાખ રૂપિયા છે. તેની સામે ટાટા પંચ EVની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયા છે. એટલે કે EV ખરીદતી વખતે શરૂઆતમાં જ 2.5 થી 3 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડે છે.
રોજનો ચાલવાનો ખર્ચ
રોજના ઈંધણ ખર્ચમાં EV ઘણી બચત કરાવે છે. ગણતરી આ પ્રમાણે છે:
ટાટા પંચ CNG: આ કાર 1 કિલો ગેસમાં 25 થી 27 કિમીની માઈલેજ આપે છે. જો CNGનો ભાવ 80 થી 85 રૂપિયા પ્રતિ કિલો હોય, તો ચાલવાનો ખર્ચ 3.00 થી 3.50 રૂપિયા પ્રતિ કિલોમીટર થાય છે.
ટાટા પંચ EV: જો તમે કારને ઘરે AC સ્લો ચાર્જરથી ચાર્જ કરો છો, તો વીજળીના દર પ્રમાણે ખર્ચ માત્ર 1.20 થી 1.50 રૂપિયા પ્રતિ કિલોમીટર થાય છે.
નિષ્કર્ષ: જો તમે રોજ 50 થી 70 કિમી ડ્રાઇવ કરો છો, તો EV દ્વારા થતી રોજની બચત એટલી મોટી હશે કે 3 થી 4 વર્ષમાં જ શરૂઆતમાં ચૂકવેલા વધારાના 3 લાખ રૂપિયા પાછા મળી જશે.
મેઇન્ટેનન્સ અને સર્વિસિંગ ખર્ચ
CNG કારમાં પરંપરાગત એન્જિન (ICE) હોય છે. આથી નિયમિત સમયે એન્જિન ઓઇલ, ઓઇલ ફિલ્ટર, સ્પાર્ક પ્લગ અને એર ફિલ્ટર બદલવા પડે છે. ઉપરાંત સલામતી માટે દર 3 વર્ષે CNG સિલિન્ડરનું હાઇડ્રો-ટેસ્ટિંગ કરાવવું ફરજિયાત છે.
બીજી તરફ ઈલેક્ટ્રિક કારમાં ફરતા ભાગો ખૂબ ઓછા હોય છે. તેમાં એન્જિન ઓઇલ, પિસ્ટન કે ગિયરબોક્સ હોતા નથી. સર્વિસિંગમાં મુખ્યત્વે બ્રેક પેડ, સસ્પેન્શન અને કેબિન AC ફિલ્ટર જ ચેક કરવાના હોય છે. આથી EVનું નિયમિત મેઇન્ટેનન્સ CNG કરતાં 30 થી 40 ટકા સસ્તું પડે છે.
ડ્રાઇવિંગ રેન્જ અને બૂટ સ્પેસ
રેન્જ અને રિફ્યુઅલિંગ: પંચ CNG પેટ્રોલ અને ગેસ બંને મળીને 700 કિમીથી વધુની રેન્જ આપે છે. પંપ પર ગેસ ભરાવામાં માત્ર 5 મિનિટ લાગે છે. જ્યારે પંચ EV (30 kWh થી 40 kWh બેટરી) વાસ્તવિક પરિસ્થિતિમાં 230 થી 320 કિમીની રેન્જ આપે છે. હાઇવે પર લાંબી મુસાફરી વખતે DC ફાસ્ટ ચાર્જર શોધવું પડે છે અને ચાર્જિંગમાં 30 થી 45 મિનિટ લાગી શકે છે.
બૂટ સ્પેસ (ડિકી): ટાટાની નવી ટ્વીન-સિલિન્ડર ટેકનોલોજીને કારણે પંચ CNGમાં હવે આશરે 210 લિટરની સારી બૂટ સ્પેસ મળે છે. જોકે પંચ EVમાં 366 લિટરની મોટી બૂટ સ્પેસ અને બોનેટ નીચે ફ્રંક (Frunk)ની જગ્યા પણ મળે છે.
જો તમારું બજેટ મર્યાદિત છે અને વારંવાર હાઇવે પર લાંબી મુસાફરી કરવી પડે છે, તો CNG કાર હજુ પણ સારો વિકલ્પ છે. પરંતુ જો તમે મુખ્યત્વે શહેરમાં રોજ 40 થી 50 કિમી ડ્રાઇવ કરો છો અને ઘરે કે ઓફિસે ચાર્જિંગની સુવિધા છે, તો લાંબા ગાળે EV તમને મોટી આર્થિક બચત કરાવશે અને શાંત, સ્મૂથ ડ્રાઇવિંગનો આનંદ પણ આપશે.