નવી દિલ્હી: અજાણ્યા નંબરો પરથી આવતા કોલ્સથી પરેશાન લોકો માટે એક મોટો રાહતનો સમાચાર છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા દેશની તમામ ટેલિકોમ કંપનીઓને 1 નવેમ્બર, 2026થી 'કોલિંગ નેમ પ્રેઝન્ટેશન' (CNAP) સેવા લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ સેવા હેઠળ જ્યારે કોઈ અજાણ્યા ભારતીય નંબર પરથી કોલ આવશે, ત્યારે તે વ્યક્તિનું નોંધાયેલું નામ ફોનની સ્ક્રીન પર આપમેળે દેખાશે. આ માટે યુઝરને કોઈ નવી એપ ડાઉનલોડ કરવાની કે ફોનમાં અલગ સેટિંગ્સ કરવાની જરૂર નહીં પડે.
એરટેલ, જિયો, વોડાફોન-આઈડિયા અને BSNL જેવા તમામ મુખ્ય ઓપરેટરોએ તેમના 4G અને 5G નેટવર્ક પર આ ટેકનોલોજી શરૂ કરવાની રહેશે. આ સેવાની સૌથી મોટી ખાસિયત એ છે કે કોલ કરનારને ઓળખવા માટે હવે 'ટ્રુકોલર' જેવી થર્ડ-પાર્ટી એપ્સની જરૂર રહેશે નહીં.
આ ટેકનોલોજી કાર્યરત થાય તે માટે કંપનીઓ ગ્રાહકોના મોબાઇલ નંબર અને તેમના સત્તાવાર નામનો સુરક્ષિત ડેટાબેઝ તૈયાર કરી રહી છે. સિમ કાર્ડ ખરીદતી વખતે KYC દસ્તાવેજોમાં જે નામ આપવામાં આવ્યું હશે, તે જ નામ આ ડેટાબેઝમાં નોંધાશે. કોલ આવતાં નેટવર્ક આ નામ શોધીને સ્ક્રીન પર દર્શાવશે. એટલે કે સ્ક્રીન પર નકલી નામ નહીં, પરંતુ દસ્તાવેજ મુજબનું સાચું નામ દેખાશે.
એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જો કોલ કરનારનો નંબર ફોનમાં પહેલેથી સેવ કરેલો હશે, તો સેવ કરેલું નામ જ સ્ક્રીન પર દેખાશે.
વિદેશથી આવતા સ્પામ અને છેતરપિંડીવાળા કોલ્સ સામે પણ આ સિસ્ટમમાં વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા કોઈ દેશમાંથી કોલ આવશે તો સ્ક્રીન પર કોલ કરનારના નામની જગ્યાએ 'ઇન્ટરનેશનલ કોલ' એવું સ્પષ્ટ લખાણ દેખાશે. તેનાથી યુઝરને તરત જ ખબર પડશે કે કોલ દેશની બહારથી આવી રહ્યો છે.
ગોપનીયતાને ધ્યાનમાં રાખીને સરકારે કેટલીક છૂટછાટ પણ રાખી છે. કંપની પાસેથી CLIR (કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન રિસ્ટ્રિક્શન) સેવા સબ્સ્ક્રાઇબ કરનારા લોકોનું નામ અન્યની સ્ક્રીન પર દેખાશે નહીં. જોકે આ સુવિધા સુરક્ષા કારણોસર કડક ચકાસણી બાદ ફક્ત અમુક પસંદ કરેલા લોકોને જ આપવામાં આવે છે, તે દરેક માટે ઉપલબ્ધ નથી.
સરકારના આ પગલાથી દેશમાં વધી રહેલા નકલી કોલ્સ અને સાયબર ફ્રોડ પર અંકુશ આવવાની અપેક્ષા છે. જો કોઈના નંબર પર આ સુવિધા હાલમાં દેખાય નહીં, તો ચિંતા કરવાની જરૂર નથી. આગામી થોડા અઠવાડિયામાં તમામ 4G અને 5G યુઝર્સ માટે આ સેવા સંપૂર્ણપણે ચાલુ થઈ જશે એમ વિભાગે જણાવ્યું છે.