સત્ય. સાહસ. સંકલ્પ.

CNAP લાગુ: હવે કોલ કરનારનું નામ દેખાશે, પણ SIM બીજાના નામે હોય તો?

CNAP લાગુ: હવે કોલ કરનારનું નામ દેખાશે, પણ SIM બીજાના નામે હોય તો?

1 નવેમ્બરથી દેશભરમાં ટેલિકોમ કંપનીઓએ 'કોલર નેમ પ્રેઝન્ટેશન' (CNAP) સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ, કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે ફોન સ્ક્રીન પર કોલ કરનારનું નામ દેખાશે. આ માટે કોઈ થર્ડ-પાર્ટી એપની જરૂર નહીં પડે. ટેલિકોમ વિભાગના આ પગલાનો હેતુ સાયબર ફ્રોડ અને નકલી કોલ્સ પર અંકુશ લાવવાનો છે.

જોકે, આ નવા નિયમથી એવા લાખો લોકો ચિંતામાં મૂકાયા છે જેઓ પોતાના માતા-પિતા, ભાઈ-બહેન કે પરિવારના અન્ય સભ્યના નામે રજિસ્ટર્ડ SIM કાર્ડનો ઉપયોગ કરે છે. ભારતમાં આ સામાન્ય પ્રથા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આવા SIM પરથી કોલ કરવામાં આવે ત્યારે સ્ક્રીન પર કોનું નામ દેખાશે?

CNAP સિસ્ટમ ટેલિકોમ કંપનીઓ પાસે રહેલા KYC (નો યોર કસ્ટમર) ડેટાબેઝ પર આધારિત છે. સરળ શબ્દોમાં, SIM કાર્ડ ખરીદતી વખતે જે વ્યક્તિના આધાર કાર્ડ કે અન્ય ઓળખ દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તેને કંપનીના રેકોર્ડમાં 'વાસ્તવિક માલિક' ગણવામાં આવે છે. તેથી, જો તમે તમારા પિતાના નામે રજિસ્ટર્ડ SIMનો ઉપયોગ કરતા હોવ અને કોઈને કોલ કરો, તો સામેવાળી વ્યક્તિને તમારું નહીં પરંતુ તમારા પિતાનું નામ દેખાશે. જો તમારું પોતાનું નામ દેખાવું હોય, તો તમારે ટેલિકોમ ઓપરેટરનો સંપર્ક કરીને SIM કાર્ડ તમારા નામે ટ્રાન્સફર કરાવવું પડશે.

જે નંબરો પહેલેથી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરેલા હોય તેનું શું? CNAP સિસ્ટમ થર્ડ-પાર્ટી એપ્સ કરતાં અલગ રીતે કામ કરે છે. થર્ડ-પાર્ટી એપ્સમાં વપરાશકર્તા પોતાની પસંદગીનું નામ રાખી શકતા; પરંતુ CNAP ટેલિકોમ કંપનીઓના પ્રમાણિત રેકોર્ડ્સમાંથી નામ લે છે. જ્યારે અજાણ્યો કોલ આવે, ત્યારે સ્ક્રીન પર સૌથી ઉપર કોલ કરનારનો નંબર અને તેની નીચે SIM ધારકનું સત્તાવાર નામ દેખાશે. જો તમે કોઈ વ્યક્તિનો નંબર અગાઉથી ચોક્કસ નામથી સેવ કરેલો હોય, તો તે સેવ કરેલું નામ પહેલા દેખાશે. વધુમાં, વિદેશથી આવતા કોલ પર 'ઇન્ટરનેશનલ કોલ' લખેલું દેખાશે, જેથી વપરાશકર્તા સાવધ રહી શકે.

કંપનીઓ માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. શરૂઆતમાં આ સુવિધા દેશભરના તમામ 4G અને 5G નેટવર્ક વપરાશકર્તાઓ માટે ડિફોલ્ટ રૂપે સક્રિય થશે. આ માટે કોઈ વધારાની એપ ડાઉનલોડ કરવાની કે ફોન સેટિંગ્સમાં ફેરફાર કરવાની જરૂર નથી. 2G અને 3G નેટવર્ક વપરાશકર્તાઓ માટે આ સુવિધા પછીના તબક્કામાં ઉપલબ્ધ થશે. જો કોઈ કંપની ઈચ્છતી હોય કે તેના કર્મચારીઓના ફોન પરથી કોલ કરવામાં આવે ત્યારે બ્રાન્ડનું નામ દેખાય, તો તેણે ટેલિકોમ પ્રોવાઈડર પાસે નામ રજીસ્ટર કરાવવું પડશે. આ માટે GST રજીસ્ટ્રેશન અથવા ટ્રેડમાર્ક પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો જમા કરાવવા પડશે. વપરાશકર્તાઓની ગોપનીયતા જળવાઈ રહે તે માટે કંપનીઓને કોલ પૂરો થયા પછી કોલ કરનારનું નામ સિસ્ટમમાં સંગ્રહિત ન કરવાની સૂચના આપવામાં આવી છે.