ઝારખંડ હાઈકોર્ટે કોલ માઈન્સ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (CMPFO)ના DHFLમાં રોકાયેલા 727.67 કરોડ રૂપિયા ડૂબી જવાના મામલે CBI તપાસનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ એમ.એસ. સોનકની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે કોલ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના સંજીવ કુમાર શ્રીવાસ્તવે 2022માં દાખલ કરેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરતા ગુરુવારે આ આદેશ આપ્યો અને અરજીનો નિકાલ કર્યો.
આ મામલો દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (DHFL)માં CMPFOના 1,300 કરોડ રૂપિયાના રોકાણ સાથે જોડાયેલો છે. DHFL નાદાર જાહેર થયા બાદ તેમાંથી 727.67 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. આ રકમ લગભગ 2.5 લાખ કોલસા કર્મીઓના ભવિષ્ય નિધિ (PF)ની છે.
અદાલતે નોંધ્યું કે CMPFOના ફંડ મેનેજરો એસબીઆઈ અને યુટીઆઈએ 24 જૂન 2019ના રોજ જ DHFLની ખરાબ આર્થિક સ્થિતિ અંગે રેડ એલર્ટ જારી કરી ચેતવણી આપી દીધી હતી. તેમ છતાં તત્કાલીન ટ્રસ્ટીઓએ સમયસર યોગ્ય પગલાં લીધા નહોતા.
કંપની નાદાર જાહેર થયાના લગભગ છ મહિના પછી, 20 ડિસેમ્બર 2019ના રોજ રકમ પાછી ખેંચવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો. 22 નવેમ્બર 2021ના રોજ બોર્ડની સબ-કમિટીએ 727.67 કરોડ રૂપિયા રાઈટ ઓફ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેનો કર્મચારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ મામલે તત્કાલીન કોલ સેક્રેટરી અનિમેષ ભારતી સામે વિભાગીય કાર્યવાહી શરૂ થઈ હતી, પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં CMPFOએ સોગંદનામું દાખલ કરીને પોતાના અધિકારીઓને ક્લીન ચિટ આપી દીધી હતી. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી અને CBI તપાસના આદેશ આપ્યા.