ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે ગુજરાતની વર્તમાન સ્થિતિ, રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા વિવિધ નિર્ણયો અને વિકાસ કાર્યોથી વડાપ્રધાનને અવગત કરાવ્યા હતા. રાજ્યના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન પાસેથી માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન ઊર્જા સંકટ, પાણીની અછત અને અલનીનોની અસર જેવા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આ બેઠક વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુથી યોજાઈ હતી.
બેઠક દરમિયાન ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયો હતો. રાજકીય સૂત્રો દ્વારા એવું પણ માનવામાં આવે છે કે, આંતરરાષ્ટ્રીય બજારોની અસર અને વર્તમાન રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. આ મુલાકાતને ગુજરાતના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.