સત્ય. સાહસ. સંકલ્પ.

સરકારી જમીન પર દબાણ કરનારા સામે FIR, સરપંચ બેદરકાર તો કાર્યવાહી: મુખ્યમંત્રીની કલેક્ટરોને તાકીદ

સરકારી જમીન પર દબાણ કરનારા સામે FIR, સરપંચ બેદરકાર તો કાર્યવાહી: મુખ્યમંત્રીની કલેક્ટરોને તાકીદ

ગાંધીનગર: રાજ્યમાં સરકારી જમીનો પર વધી રહેલા દબાણને રોકવા અને જમીનોની જાળવણી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને કડક સૂચનાઓ આપી છે. સરકારી જમીન પર વારંવાર દબાણ કરનારા વ્યક્તિઓ સામે FIR દાખલ કરવા અને ફરજ બજાવવામાં બેદરકારી દાખલ કરતા સરપંચો સામે નિયમ મુજબ પગલાં લેવા તેમણે જણાવ્યું હતું.

ઓક્ટોબર 2026માં યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓની રજૂઆતો સાંભળી હતી અને સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આ કાર્યક્રમમાં 170થી વધુ રજૂઆતકર્તાઓએ ભાગ લીધો હતો, જ્યારે રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં મળીને કુલ 4,953થી વધુ રજૂઆતો પર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ રજૂઆતોમાં ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલ, ખાતેદાર પ્રમાણપત્ર, પીવાના પાણીની સમસ્યા, રસ્તા, સરકારી જમીન પર દબાણ અને જમીન રી-સર્વે જેવા મુદ્દાઓ મુખ્ય હતા.

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સુગારીયા મોડસર ગામમાં સરકારી જમીન પર થયેલા દબાણ અંગેની ફરિયાદને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી હતી. તેમણે તમામ કલેક્ટરોને સરકારી જમીનોનું રક્ષણ કરવા અને દોષિતો સામે FIR દાખલ કરવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્રને જવાબદારીપૂર્વક કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત વેરાનું રેશનલાઇઝેશન કરીને ગ્રામીણ ઉદ્યોગોને યોગ્ય વ્યવસ્થા મળે તે દિશામાં કામગીરી કરવા પણ જણાવાયું હતું. ફરજ યોગ્ય રીતે ન બજાવતા સરપંચો સામે નિયમ મુજબ પગલાં લેવા કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી.

કચ્છના ગાંધીધામ તાલુકાના શિણાય ગામના એક ખેડૂતે ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા અંગે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સૂચના આપીને નિયમ મુજબ પ્રમાણપત્ર ફાળવવા જણાવ્યું હતું. સાથે જ આવા કિસ્સાઓમાં ખેડૂતોના હિતમાં કાર્યવાહી થાય તે માટે તમામ કલેક્ટરોને સૂચના આપી હતી.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઓરમા ગામમાં પીવાના પાણીની સમસ્યા અંગે થયેલી રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્ર અને પાણી પુરવઠા બોર્ડને યોગ્ય આયોજન કરીને પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

બોટાદ જિલ્લાના મોટા ઝિંઝાવદર ગામમાં રસ્તો બનાવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને સત્વરે કાર્યવાહી કરીને રસ્તાના પ્રશ્નનો ઉકેલ લાવવા સૂચના આપી હતી.

વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતોને થતી મુશ્કેલીઓ અને તળાવ ઓવરફ્લો થવાને કારણે ખેતીને થતાં નુકસાનના મુદ્દે પણ મુખ્યમંત્રીએ સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું હતું. તળાવ ઓવરફ્લોના કારણે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સિંચાઈ વિભાગને ટેક્નિકલ ઉપાયો હાથ ધરવા જણાવ્યું હતું. જમીન રી-સર્વે અને રસ્તા સંબંધિત રજૂઆતોનો પણ હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીઓ ધિરજ પારેખ અને રાકેશ વ્યાસ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવો અને અધિકારીઓ ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના જિલ્લા કલેક્ટરો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.