ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને તેમની કામગીરી અંગે સીધી ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, અજાણતા થયેલી ભૂલ સુધારી શકાય, પણ જાણી જોઈને કરેલી ભૂલ કે બેદરકારી ક્યારેય ચલાવી લેવાશે નહીં.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં સરકારી નોકરી મેળવવા લાખો યુવાનોમાં ભારે હરીફાઈ છે, પરંતુ જેમને નોકરી મળી ગઈ છે તેમનામાં તેની કદર જોવા મળતી નથી. અધિકારીઓ અને કર્મચારીઓએ ટીમવર્ક અને સંવેદનશીલતાથી કામ કરવું જોઈએ. કચેરીએ આવતા સામાન્ય નાગરિકો સાથે ઉદાર અને આદરભર્યો વ્યવહાર રાખવો જોઈએ.
ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિઓ અંગે મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે, જો કોઈ કોન્ટ્રાક્ટર એટલો નીચો ભાવ ભરે કે ગુણવત્તાયુક્ત કામ શક્ય જ ન હોય, તો તેને ટેન્ડર શા માટે આપવું? વિભાગ પાસે રેટ એનાલિસિસ અને શેડ્યુલ ઓફ રેટ્સ (SOR) ઉપલબ્ધ છે, ત્યારે અધિકારીઓએ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, જો સતત બિલો ભરીને કામ મંજૂર થતું હોય તો એક તરફ તે શક્ય નથી અને બીજી તરફ SOR મુજબ શક્ય છે. બંને વાતો એકસાથે સાચી ન હોઈ શકે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને આત્મમંથન કરવાની સલાહ આપતાં કહ્યું કે, સારું કામ થાય ત્યારે તેની ક્રેડિટ લેવા આપણે દોડીએ છીએ, પણ ખોટું કામ થાય ત્યારે દોષ બીજા પર ઢોળવા નામ શોધીએ છીએ. 'આ કેમ થયું? કયા કારણોસર ખામી રહી?' તેનું વાસ્તવિક ચિંતન કરવું જરૂરી છે. ચિંતનનો અર્થ માત્ર ભાષણો સાંભળવા પૂરતો સીમિત નથી, પણ રોજિંદા કામકાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે.
કામ કરાવવા માટે ઉપરથી ફોન કરાવવાની માનસિકતા સામે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, ઘણીવાર સાંભળવા મળે છે કે 'સાહેબ સાથે ફોન કરાવી દો, પછી પેમેન્ટ પાસ થઈ જશે.' જો કોઈ બાબત નિયમ મુજબ અધિકારીની ફરજમાં આવે, તો તેના માટે સાહેબના ફોનની રાહ શા માટે જોવી? દરેક અધિકારીએ પોતાની બંધારણીય અને વહીવટી જવાબદારી સમજીને જાતે જ ત્વરિત નિર્ણયો લેવા જોઈએ. નિયમોનું પાલન થાય તે માટે જ SOP બનાવવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગની કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, સરકારે ઉત્કૃષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું હોવાથી લોકોને સારી સુવિધાઓની આદત પડી ગઈ છે, તેથી હવે રસ્તા પર એક નાનો ખાડો પણ લોકો સહન નહીં કરે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વિભાગનું બજેટ અગાઉના રૂ. 12,000 કરોડથી વધારીને રૂ. 30,000 કરોડ કરવામાં આવ્યું છે અને જરૂર પડશે તો હજુ વધુ નાણાં ફાળવાશે, પરંતુ રોડના મેન્ટેનન્સ, રિસર્ફેસિંગ અને ગુણવત્તામાં કોઈ સમાધાન ચલાવી લેવાશે નહીં. માર્ગ અને મકાન વિભાગ રાજ્યમાં અંદાજે 1.29 લાખ કિલોમીટરનું વિશાળ રોડ નેટવર્ક અને 11 હજારથી વધુ પુલોનું સંચાલન કરે છે.
પ્રામાણિક અને ઉત્સાહી અધિકારીઓને પ્રોત્સાહન આપતાં મુખ્યમંત્રીએ ખાતરી આપી કે, જો કોઈ અધિકારીની પ્રમોશન કે હકની ફાઈલ વહીવટી આંટીઘૂંટીમાં અટકી પડી હોય તો તે સીધી મારી પાસે મોકલી આપો. 'તમારા પ્રમોશનની ફાઈલ પર હું રાત્રે 12 વાગ્યે પણ સહી કરી આપીશ.' સરકાર અધિકારીઓની કાયદેસરની પ્રગતિમાં ક્યારેય અવરોધ બનશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરેલી ચિંતન શિબિરની પરંપરાને યાદ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'ગતિ, ગુણવત્તા અને ગૌરવ—Accelerating Infrastructure for Viksit Gujarat 2047' થીમ હેઠળ યોજાયેલી આ શિબિરમાં વર્ક આસિસ્ટન્ટથી માંડીને સચિવ સ્તરના અધિકારીઓ આગામી 2047 સુધીનો રોડમેપ તૈયાર કરશે. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ અને માર્ગ-મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.