સત્ય. સાહસ. સંકલ્પ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદમાં આદિવાસી ખેડૂતના ઘરે પહોંચ્યા, ગ્રામજનો સાથે નીચે બેસી વાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદમાં આદિવાસી ખેડૂતના ઘરે પહોંચ્યા, ગ્રામજનો સાથે નીચે બેસી વાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત પૂરી કરીને ગરબાડા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં પીપર ગોટા ગામે તેમણે અચાનક પોતાની કાર રોકાવી હતી.

ત્યારબાદ ગામના કાચા રસ્તા પર ચાલીને તેઓ આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે બકુલભાઈ અને તેમના પરિવાર સાથે મકાઈની ખેતી, ખેતીમાંથી થતી આવક અને પરિવારના રોજિંદા જીવન વિશે વાત કરી. પરિવારના બાળકો સાથે પણ તેમણે પ્રેમથી વાતચીત કરી અને તેમના અભ્યાસ તથા શાળા વિશે માહિતી મેળવી.

મુખ્યમંત્રીની આ અચાનક મુલાકાતથી નાનકડા આદિવાસી ગામમાં લોકોમાં આનંદ જોવા મળ્યો. તેમની સરળ અને સહજ રીતથી ગ્રામજનોને એવું લાગ્યું જાણે ઘરના કોઈ વડીલ ખબર પૂછવા આવ્યા હોય.

ત્યારબાદ મુખ્યમંત્રી ધાનપુર તાલુકાના ભુવેરો ગામે પહોંચ્યા. ગાઢ જંગલ વચ્ચે આવેલા ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે તેમણે શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા અને પરંપરાના પ્રતીક સમાન આ સ્થાને તેઓ ગ્રામજનો સાથે જમીન પર સાદગીથી બેઠા અને તેમની વાતો તથા સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા.

મુખ્યમંત્રીએ સખી મંડળની બહેનોએ લગાવેલા સ્ટોલની પણ મુલાકાત લીધી. ત્યાં પ્રાકૃતિક ખેતીની પેદાશો, ખજૂરીના પાનમાંથી બનેલી છાબડી, હર્બલ સાબુ અને તીર કમાન જેવી વસ્તુઓ પ્રદર્શિત હતી.

આ પહેલાં પ્રવાસના પહેલા દિવસે મુખ્યમંત્રીએ ગરબાડા તાલુકાના સરાબલી (ગાંગરડી) ગામે એક આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લીધું હતું. પરિવારની સ્થિતિ, બાળકોનો અભ્યાસ અને આજીવિકા વિશે પણ તેમણે પૂછપરછ કરી હતી. રાત્રિ રોકાણ દરમિયાન ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં તેમણે ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને તેમની રજૂઆતો સાંભળી. ધાનપુરના ભિંડોલ ગામમાં તડવી પરિવારના ઘરે પણ તેમણે પડિયા-પતરાળીમાં આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો અને આદિવાસી ભજન મંડળીનાં ભજન-કીર્તન સાંભળ્યાં.