સત્ય. સાહસ. સંકલ્પ.

ભાવનગરમાં મુખ્યમંત્રીએ ભાષણ વચ્ચે કહ્યું: બાળક છે, રડવાનું જ છે, બેનને બેસવા દો

ભાવનગરમાં મુખ્યમંત્રીએ ભાષણ વચ્ચે કહ્યું: બાળક છે, રડવાનું જ છે, બેનને બેસવા દો

ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે કરોડો રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી જનમેદનીને સંબોધન કરતી વખતે એક નાનકડી ઘટનાને લીધે લોકોના દિલ જીતી લીધા હતા.

સંબોધન દરમિયાન જ્યારે એક બાળક રડવા લાગ્યું, ત્યારે પોલીસકર્મીઓ બાળકની માતાને બહાર લઈ જવાની પ્રક્રિયામાં હતા. આ જોઈને મુખ્યમંત્રીએ ભાષણ અટકાવ્યું અને પોલીસકર્મીઓને અટકાવતાં કહ્યું, "બાળક છે, રડવાનું જ છે... બેનને બેસવા દો. રડશે તો ભલે બધા સાંભળે, એમાં શું થયું?"

ત્યારબાદ તેમણે બાળકની માતાને હળવાશભરી શૈલીમાં ઉમેર્યું, "તમે તમારે બેસવું હોય તો શાંતિથી બેસો, ભલે રડતા હો... એ તો બધાને સંભળાશે!" આ સહજ ટકોર સાંભળીને આખા ઓડિટોરિયમમાં હાસ્ય અને તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો.

મુખ્યમંત્રીએ ભાવનગરની સ્વચ્છતાની પ્રશંસા કરતાં એક રમૂજી ટકોર પણ કરી. તેમણે કહ્યું, "ભાવનગરમાં આજે હું ફર્યો ત્યારે જોયું કે ખૂબ સારી સ્વચ્છતા જોવા મળી... પણ સફાઈ કર્મચારીઓ અહીં બેઠા છે એટલે પૂછું છું કે રોજ આવી જ સ્વચ્છતા હોય છે કે આજે હું આવવાનો હતો એટલે થઈ છે?" આ સાંભળીને અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો ફરી હસી પડ્યા હતા. તેમણે ઉમેર્યું કે સ્વચ્છતા માત્ર પાલિકા કે સફાઈકર્મીઓની જવાબદારી નથી, પરંતુ નાગરિકોનો સંસ્કાર હોવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા 'સેવા, સંકલ્પ અને સમર્પણ' અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીએ ભાવનગર શહેર-જિલ્લાને ₹738.09 કરોડના કુલ 79 વિકાસકાર્યોની ભેટ આપી હતી. જેમાં ₹33 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન જિલ્લા કલેક્ટર કચેરીનું લોકાર્પણ, મહાનગરપાલિકાના ₹621.63 કરોડના કામો, માર્ગ-મકાન તેમજ પંચાયત વિભાગના પ્રોજેક્ટ્સનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં નાની વયે હાર્ટ અટેક અને ડાયાબિટીસ જેવા રોગો સામે બચવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી તેમજ "વિકાસ પણ, વિરાસત પણ"ના મંત્રને દોહરાવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને ભાવનગર માટે મંજૂર થયેલા ₹650 કરોડના બ્રિજ પ્રોજેક્ટને ગેમચેન્જર ગણાવ્યો હતો.

કાર્યક્રમમાં પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્યો, કલેક્ટર ડૉ. મનીષ બંસલ, કમિશનર ડૉ. એન.કે. મીના સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ હાજર રહ્યા હતા.