શર્ટ ભલે મોંઘી કે બ્રાન્ડેડ હોય, પણ જો તેનો કોલર ગંદો દેખાય તો આખો લુક બગડી જાય છે. શર્ટના બીજા ભાગોની સરખામણીમાં કોલર પર ગરદનનો પરસેવો, કુદરતી તેલ અને બહારની ધૂળ સૌથી વધુ જમા થાય છે. ઘણા લોકો શર્ટ સીધી વોશિંગ મશીનમાં નાખી દે છે, પણ મશીનની સામાન્ય સાયકલ આ ડાઘ પૂરતા સાફ કરતી નથી. પરિણામે ધોયા પછી પણ પીળાશ કે કાળાશ રહી જાય છે.
કપડાં મશીનમાં નાખતા પહેલાં કોલરની થોડી સંભાળ લેવાય તેને 'પ્રી-ક્લિનિંગ' કહેવાય છે. આ પ્રક્રિયા કોલરના ફાઇબરમાં ઊંડે જમા થયેલા તેલ અને મેલને હળવો કરે છે. આનાથી કપડાંને મશીનમાં વધારે વાર ઘસવાની જરૂર પડતી નથી, જેથી શર્ટનો રંગ ઝાંખો પડતો નથી અને ફાઇબર પણ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.
પહેલી રીત: શર્ટ મશીનમાં નાખતા પહેલાં કોલર સારી રીતે ચકાસો. જ્યાં વધુ ગંદકી દેખાય ત્યાં થોડું લિક્વિડ ડિટરજન્ટ લગાવો. આંગળીથી કોલરની બંને બાજુ હળવા હાથે ફેલાવીને 10થી 15 મિનિટ છોડી દો. પછી જૂના અને સોફ્ટ ટૂથબ્રશથી હળવા હાથે ઘસીને મેલ દૂર કરો. કપડું ફાટી ન જાય તે માટે ક્યારેય સખત બ્રશ ન વાપરો.
જો ડાઘ ખૂબ જૂના કે હઠીલા હોય, તો લિક્વિડ ડિટરજન્ટ લગાવ્યા પછી થોડું ગરમ પાણી છાંટો. ગરમ પાણી તેલ અને પરસેવાના ડાઘ ઝડપથી ઓગાળવામાં મદદ કરે છે. પણ પહેલાં શર્ટના 'કેર લેબલ'ના નિર્દેશો વાંચી લો, કારણ કે કેટલાક નાજુક કાપડ ગરમ પાણીથી બગડી શકે છે.
બીજી રીત: કોલરના હઠીલા ડાઘ માટે રસોડામાં રહેલો બેકિંગ સોડા અચૂક ઉપાય છે. બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટ કોલરના ગંદા ભાગ પર લગાવીને 10 મિનિટ રહેવા દો. બેકિંગ સોડા ડાઘને સોફ્ટ બનાવે છે. પછી સોફ્ટ બ્રશથી હળવા હાથે ઘસીને શર્ટ સામાન્ય રીતે વોશિંગ મશીનમાં ધોઈ લો. આ ઉપાયથી કોલર ચમકી ઉઠશે.
સફેદ શર્ટ માટે બેકિંગ સોડા સુરક્ષિત છે, પણ રંગીન કે ડાર્ક કલરની શર્ટ હોય તો સાવચેતી રાખો. કોઈપણ મિશ્રણ આખા કોલર પર લગાવતા પહેલાં શર્ટના અંદરના છુપા ભાગ પર થોડું લગાવીને 'પેચ ટેસ્ટ' કરો. રંગ ન ઊડે તો જ આખા કોલર પર વાપરો.
શર્ટ લાંબા સમય સુધી નવી જેવી રહે તે માટે તેને બહુ ગંદી થવા દીધા વગર સમયસર ધોઈ લેવી જોઈએ. સફેદ શર્ટ ચમકાવવા હાર્શ કેમિકલ કે તેજ બ્લીચિંગ એજન્ટનો ઉપયોગ ટાળો, કારણ કે તેનાથી કપડું પાતળું પડીને ફાટી જાય છે. જો ડાઘ ઘસવાથી પણ ન જાય, તો ઘરે વધારે પ્રયોગ કરીને કપડું બગાડવાને બદલે સારા ડ્રાય ક્લીનરની મદદ લેવી વધુ ડાહપણભર્યું છે.