સત્ય. સાહસ. સંકલ્પ.

માટી મૂર્તિ મેળો 2026: રાજ્યમાં 23,542 ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ વેચાઈ, ₹5 કરોડની આવક

માટી મૂર્તિ મેળો 2026: રાજ્યમાં 23,542 ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ વેચાઈ, ₹5 કરોડની આવક

ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન (ગુજરાત માટીકામ સંસ્થાન) દ્વારા 8 થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં 'માટી મૂર્તિ મેળો-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસ ચાલેલા આ મેળામાં રાજ્યના 361 નોંધાયેલા કારીગરોએ બનાવેલી 23,542 ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વેચાણ થયું. આથી અંદાજે રૂ. 5 કરોડની આવક નોંધાઈ છે.

સંસ્થાને આ મેળામાં ભાગ લેનારા મૂર્તિકારોને 186 ટન 'રેડી-ટુ-યુઝ' માટી વિતરિત કરી હતી અને વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવ્યા હતા. મેળો અમદાવાદ, વડોદરા અને સુરતના પાંચ સ્થળોએ યોજાયો હતો.

આંકડા મુજબ, અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ હાટ ખાતે સૌથી વધુ રૂ. 1.91 કરોડથી વધુનું વેચાણ થયું. સુરતના અડાજણ ખાતે 7,920 મૂર્તિઓનું વેચાણ થયું અને રૂ. 1.11 કરોડથી વધુની આવક થઈ. વડોદરાના પારસી અગિયારી મેદાન ખાતે રૂ. 85.77 લાખ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ. 77.99 લાખ અને બોપલ હસ્તકલા હાટ ખાતે રૂ. 32.55 લાખનું વેચાણ નોંધાયું.

શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ મેળામાં ભાગ લીધો હતો. નવી શિક્ષણ નીતિ હેઠળ 10 જિલ્લાની 302 શાળાઓના 84,500થી વધુ વિદ્યાર્થીઓએ માટીની મૂર્તિ બનાવવાની પદ્ધતિનું લાઇવ પ્રદર્શન જોયું અને DIY પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આનો હેતુ પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો હતો. ઉપરાંત, મૂર્તિ નિર્માણ અને સુશોભન કાર્ય સાથે જોડાયેલા કારીગર પરિવારોની મહિલાઓને રોજગારીની તકો પણ મળી છે.

અગાઉના વર્ષોમાં બજારમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓનું ચલણ હતું, જે જળસ્રોતો અને પર્યાવરણ માટે હાનિકારક ગણાય છે. આ સ્થિતિ બદલવા માટે 2015-16થી માટીના મૂર્તિકારો માટે પ્રોત્સાહન યોજના અમલમાં છે. આ યોજના હેઠળ કારીગરોને સબસિડીવાળી માટી, મફત સ્ટોલ અને દૈનિક સહાય આપવામાં આવે છે. તેના પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં માટીની મૂર્તિઓના ઉત્પાદન અને વપરાશમાં સતત વધારો થયો છે અને POPનો ઉપયોગ ઘટ્યો છે.