દિલ્હીના કોનોટ પ્લેસમાં શુક્રવારે સાંજે 5 વાગ્યે 'લહેરા દો તિરંગા' માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ચ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવી રહી છે. માર્ચ પહેલાં CJPના સ્થાપક અભિજીત દીપકેએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે શાંતિપૂર્ણ વિરોધને રોકવા માટે સુરક્ષાના નામે આખા શહેરમાં પ્રતિબંધો લાદવામાં આવે છે, જેનાથી વેપારને નુકસાન થાય છે.
દીપકેએ જણાવ્યું કે સરકાર વિરોધ પ્રદર્શનો અટકાવવા માટે શહેરમાં અવરજવર પર નિયંત્રણ મૂકે છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરે છે. તેમણે કહ્યું કે સરકારને સવાલ પૂછવા અને અન્યાય સામે વિરોધ કરવો એ લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. CJP મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આંદોલન ચલાવી રહી છે. આ માર્ચ મતદાર યાદીની SIRમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં યોજાઈ રહી છે.
બીજી તરફ, નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિયેશને છેલ્લા ત્રણ અઠવાડિયાંથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે દુકાનદારો, વાહનચાલકો અને અન્ય કામદારોની આજીવિકા પર અસર પડતી હોવાની ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને વેપારી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનોને બદલે અન્ય સ્થળ પસંદ કરવાની માગ કરી છે અને પ્રસ્તાવિત માર્ચ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
માર્ચને ધ્યાનમાં રાખીને મધ્ય દિલ્હીમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. અહેવાલો અનુસાર, 6,000થી વધુ દિલ્હી પોલીસકર્મીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 220 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પાર્ક 16 અને 17 ઑક્ટોબરે બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.