કોકરોચ જનતા પાર્ટી (CJP)એ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR)ને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી INDIA ગઠબંધનની રેલીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.
CJPએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, "અમે દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે અવાજ ઉઠાવતા તમામ સંગઠનો સાથે ઊભા રહીશું અને INDIA ગઠબંધનની 1 નવેમ્બરે યોજાનારી રેલીનું સમર્થન કરીએ છીએ. બંધારણે દરેક પુખ્ત નાગરિકને વોટ આપવાનો અધિકાર આપ્યો છે અને કોઈ પણ પાત્ર મતદાર આ અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે."
પાર્ટીએ SIR અંગે જણાવ્યું છે કે, "મતદારયાદીના સ્પેશિયલ સમરી રિવિઝનને કારણે પાત્ર મતદારોના નામ હટાવવા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. વોટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવાના બદલે લોકોમાં મતાધિકારથી વંચિત રહી જવાનો ભય વધી રહ્યો છે. ચૂંટણી પંચની જવાબદારી દરેક પાત્ર નાગરિકના વોટ આપવાના અધિકારનું રક્ષણ કરવાની છે, નહીં કે તેમાં અવરોધો ઊભા કરવાની. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે SIR દ્વારા લોકશાહીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવા માટે જરૂરી વિશ્વાસ ગુમાવી દીધો છે."
બંધારણ નિર્માતાઓને યાદ કરતા CJPએ જણાવ્યું છે કે, "ડૉ. ભીમરાવ આંબેડકર, પંડિત જવાહરલાલ નેહરુ અને બંધારણ ઘડનારા અન્ય સભ્યોએ જાતિ, ધર્મ, લિંગ, શિક્ષણ કે આર્થિક સ્થિતિના ભેદભાવ વિના દરેક પુખ્ત નાગરિકને વોટ આપવાનો સમાન અધિકાર આપ્યો હતો. જ્યારે દેશના લાખો લોકોએ પહેલા ક્યારેય ચૂંટણીમાં ભાગ લીધો ન હતો, ત્યારે પણ તેમણે જનતા પર વિશ્વાસ મૂક્યો હતો. વધુમાં વધુ નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ, નહીં કે તેમને તેનાથી બહાર રાખવા જોઈએ."
લોકશાહીના સિદ્ધાંતો વિશે CJPએ ઉમેર્યું છે કે, "દરેક સરકાર અને બંધારણીય સંસ્થાની જવાબદારી સમાન રાજકીય અધિકારોના સિદ્ધાંતનું રક્ષણ કરવાની છે. લોકશાહીમાં સરકાર પસંદ કરવાનો અધિકાર જનતા પાસે હોવો જોઈએ, નહીં કે સરકાર પાસે એ નક્કી કરવાનો અધિકાર હોય કે કોણ વોટ આપી શકે છે. કોઈ પણ નાગરિકની સામાજિક કે આર્થિક સ્થિતિ તેના વોટ આપવાના અધિકારમાં બાધક ન બનવી જોઈએ."