સત્ય. સાહસ. સંકલ્પ.

મુંબઈના શિવાજી પાર્કમાં CJPનું પ્રદર્શન: નસીરુદ્દીન શાહ, શબાના આઝમી સહિત બોલિવૂડ સેલેબ્સ જોડાયા

મુંબઈના શિવાજી પાર્કમાં CJPનું પ્રદર્શન: નસીરુદ્દીન શાહ, શબાના આઝમી સહિત બોલિવૂડ સેલેબ્સ જોડાયા

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને મુંબઈના શિવાજી પાર્કમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત પ્રદર્શનમાં બોલિવૂડના અનેક કલાકારોએ ભાગ લીધો હતો. પોલીસની મંજૂરી મળી ન હોવા છતાં આ પ્રદર્શન યોજાયું હતું.

આ પ્રદર્શનમાં અભિનેતા નસીરુદ્દીન શાહ, અભિનેત્રી શબાના આઝમી, સંગીતકાર વિશાલ દદલાણી, ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ અને અભિનેત્રી શર્લિન ચોપડા સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ કલાકારોએ મતદાર યાદીમાં થયેલી કથિત ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો અને નાગરિકોના વિરોધ કરવાના અધિકારને ટેકો આપ્યો હતો.

નસીરુદ્દીન શાહે CJPના સ્થાપક અભિજીત દીપકેને ગળે લગાવીને આભાર માન્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. અભિજીત દીપકેએ જણાવ્યું કે, તેઓ નસીરુદ્દીન શાહના મોટા પ્રશંસક છે અને તેમની હાજરી તેમના માટે સપનું સાકાર થવા જેવી છે.

શબાના આઝમીએ પ્રદર્શનકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે કહ્યું કે, લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવું દરેક નાગરિકનો અધિકાર છે. જ્યારે મતદાર યાદીમાંથી કોઈ કારણ વગર લોકોનાં નામ કાઢી નાખવામાં આવે, ત્યારે જનતાએ તેનો વિરોધ કરવો યોગ્ય છે. આ પહેલાં તેઓ નીટ પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થયા હતા.

ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ પત્ની સાથે પ્રદર્શનમાં જોડાયા હતા. તેમને પૂછવામાં આવ્યું કે બોલિવૂડના લોકોએ આ મુદ્દે સમર્થન આપવું જોઈએ કે નહીં. જવાબમાં તેમણે કહ્યું, 'હું બોલિવૂડમાંથી જ છું.' અન્ય કલાકારો વિશે પૂછતાં તેમણે કહ્યું, 'આ દરેકની પોતાની મરજી છે. જો કોઈને અંતરાત્માથી લાગે છે કે જે થઈ રહ્યું છે તે ખોટું છે, તો તે સમર્થનમાં આવે, ન લાગે તો ન આવે.'

સંગીતકાર વિશાલ દદલાણીએ પણ શિવાજી પાર્ક પહોંચીને આંદોલનને સમર્થન આપ્યું હતું. તેમણે અભિજીત દીપકે સાથે મુલાકાત કરી હતી. વિશાલે કાર્યક્રમ પહેલાં પણ સોશિયલ મીડિયા દ્વારા આ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. CJPના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેમની હાજરીના ફોટા અને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા.

અભિનેત્રી શર્લિન ચોપડાએ મતદાર યાદીમાંથી નામ હટાવવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે મત આપવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવતાં કહ્યું કે, લોકશાહીની હત્યા થવી જોઈએ નહીં અને નાગરિકો પાસેથી મતદાનનો અધિકાર છીનવવો જોઈએ નહીં. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા જે 13 કરોડ ભારતીયોનાં નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યાં છે, શું એ સાબિત કરી શકાય છે કે તેઓ બિન-નાગરિક છે?

શર્લિને કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરે છે અને તેમને પિતાતુલ્ય માને છે, તેથી એક દીકરી તરીકે શાંતિપૂર્ણ રીતે પોતાની અસહમતિ નોંધાવવાનો તેનો અધિકાર છે. તેણે પીએમ મોદીને ભારતીય નાગરિકો પાસેથી આ અધિકાર ન છીનવવાની અપીલ કરી હતી.

આ પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યું હતું. CJP નેતા અભિજીત દીપકેએ મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે નીટ પેપર લીક બાદ બે મહિનામાં આ તેમનું બીજું મોટું આંદોલન છે. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પડકાર આપ્યો કે સરકાર ઇચ્છે તો તેમને જેલમાં મોકલી શકે છે. આ વિવાદ મતદાર યાદીના સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં ગેરરીતિને લઈને મીડિયા અહેવાલો બાદ શરૂ થયો હતો.