નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓએ શુક્રવારે કાર્યકર્તા નીશુ ભારદ્વાજના પિતા સંજય સાથે થયેલી મારપીટના વિરોધમાં કૂચ કરીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પ્રદર્શનમાં CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા સામેલ થયા હતા.
નીશુ ભારદ્વાજનો આરોપ છે કે 23 જૂને જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન તેમના પિતા સંજય પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમનું માથું ફોડવામાં આવ્યું હતું. CJPનો આરોપ છે કે FIR નોંધાયાના દોઢ મહિના પછી પણ આરોપી સ્વતંત્ર ભારદ્વાજ સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
આ દરમિયાન સ્વતંત્ર ભારદ્વાજનો એક પોડકાસ્ટ વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે સંજય પર હુમલો કરવાની વાત કબૂલી છે. જોકે, તેણે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે આ હુમલો આત્મરક્ષણમાં કરવામાં આવ્યો હતો. સૌરવ દાસે કહ્યું કે જ્યારે આરોપી પોતે ગુનો કબૂલી રહ્યો છે, તો પોલીસ કાર્યવાહી કરવાથી કેમ બચી રહી છે?
આ પહેલા ગુરુવારે નીશુ આઝાદે રાહુલ ગાંધી પાસે મદદ માંગી હતી. રાહુલે તેમને આશ્વાસન આપતા કહ્યું હતું કે, “અમે તમારી સાથે છીએ.” ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી 20 ઓગસ્ટે આ જ પોલીસ સ્ટેશનમાં પેલેટ ગનથી ઘાયલ સાહિલની FIR નોંધાવવાની માંગને લઈને લગભગ 6 કલાક ધરણા પર બેઠા હતા.
23 જૂનના રોજ જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન સંજય પર હુમલો થયો હતો. ત્યારબાદ CJPના સ્થાપક અભિજીત દીપકે તેમને મંચ પર બોલાવીને વાત કરી હતી.
મારામારીના કેસમાં પીડિત, આરોપી અને દિલ્હી પોલીસનો પક્ષ:
1. પીડિત પક્ષ - સંજય કુમાર/નીશુ આઝાદ: CJP કાર્યકર્તા નિશુ આઝાદના પિતા સંજય કુમાર 23 જૂને જંતર-મંતર પર CJP પ્રદર્શન દરમિયાન ઘાયલ થયા હતા. સંજયની ફરિયાદ પર પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. નીશુનો આરોપ છે કે તેમના પિતાનું માથું ફોડવામાં આવ્યું હતું અને દોઢ મહિના પછી પણ પોલીસે પૂરતી કાર્યવાહી કરી નથી.
2. આરોપી - સ્વતંત્ર ભારદ્વાજ: સ્વતંત્ર ભારદ્વાજે એક વાયરલ પોડકાસ્ટમાં દાવો કર્યો કે તેમણે સંજયના માથા પર હુમલો કર્યો હતો અને તેમને 60 ટાંકા આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમને જેલમાં જવું પડ્યું ન હતું. પછીથી ભારદ્વાજે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ હુમલો નહીં પણ આત્મરક્ષણ હતું. તેમનો દાવો છે કે 10-15 લોકોએ તેમને ઘેરી લીધા હતા અને જો તેઓ બચાવમાં કાર્યવાહી ન કરતા તો ભીડ તેમને મારી શકતી હતી.
3. દિલ્હી પોલીસનો પક્ષ: પોલીસના જણાવ્યા મુજબ, 23 જૂને સંજય કુમારના માથા પર કડું (બ્રેસલેટ) વાગવાથી ઈજા થઈ હતી. સંજયને RML હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો. મેડિકો લીગલ કેસમાં ઈજા સામાન્ય હોવાનું જણાવાયું હતું. પોલીસે માથું ફાટવાના/ફ્રેક્ચરના દાવાને ખોટો ગણાવ્યો હતો. સુરજ કુમાર (24) અને સ્વતંત્ર ભારદ્વાજ (21)ને ઘટનાસ્થળેથી કસ્ટડીમાં લેવાયા હતા. તપાસ દરમિયાન બંનેને નોટિસ આપીને પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસનું કહેવું છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.
વાયરલ વીડિયો અંગે નીશુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “સ્વતંત્ર ભારદ્વાજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતે કબૂલ કરી રહ્યો છે કે તેણે જ મારા પપ્પાનું માથું ફોડ્યું હતું. તેના પર કલમ 307 લાગુ થવી જોઈએ. અમે આ ઘટના સમયે જ FIR નોંધાવી હતી, પરંતુ પોલીસ કંઈ કરી રહી નથી. દિલ્હી પોલીસ પર અમને વિશ્વાસ નથી. હવે મને માત્ર રાહુલ ગાંધી પાસેથી જ આશા છે.”
સૌરવ દાસે વધુમાં કહ્યું, “જ્યારે જંતર-મંતર પર અમારું શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલી રહ્યું હતું, ત્યારે અહીં હિંસા ફાટી નીકળી. આ માટે જવાબદાર ગુનાહિત ગેંગ સમાજમાં ખુલ્લેઆમ કેમ ફરી રહી છે?”