દિલ્હી પોલીસે જંતરમંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન પહેલાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે સહિત ટોચના નેતાઓની અટકાયત કરી છે. આ કાર્યવાહીથી રોષે ભરાયેલી પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશભરમાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
શનિવારે સવારે પોલીસે અભિજિત દીપકે (સ્થાપક), સૌરવ દાસ (નેતા), આશુતોષ રાંકા (નેતા) અને જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત કરી હતી. પોલીસે પ્રદર્શનને ડામવા માટે અગાઉથી વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
અટકાયત બાદ અભિજિત દીપકેએ કેન્દ્ર સરકારની કાર્યવાહીની આકરી ટીકા કરી. તેમણે કહ્યું, "હું ધરપકડ માટે પહેલેથી તૈયાર હતો. ઈન્દિરા ગાંધીના સમયમાં પણ આવું નહોતું થયું. આ પરિસ્થિતિ ઈન્દિરા ગાંધીની સરકાર કરતાં પણ ખરાબ છે, અને અમે ધરપકડ માટે સંપૂર્ણ તૈયાર છીએ."
કોકરોચ જનતા પાર્ટીએ જાહેર કર્યું છે કે તેમની માંગ પર અડગ છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. પાર્ટીનું કહેવું છે કે સરકાર અસંમતિનો અવાજ દબાવવા માંગે છે, તેથી હવે લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી દેશની જનતાએ પોતાના હાથમાં લેવી પડશે.
પાર્ટીએ દેશના યુવાનો અને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સ્વયં આગળ આવે અને આંદોલનનું નેતૃત્વ સંભાળે. પાર્ટીનું કહેવું છે કે નેતાઓ આંદોલનમાં હાજર ન રહે તો પણ આંદોલન અટકશે નહીં.