સત્ય. સાહસ. સંકલ્પ.

CJP રસ્તા પર ઉતરશે: અભિજિત દીપકેએ બોન્ડ સાઇન ન કર્યાનું કહ્યું

CJP રસ્તા પર ઉતરશે: અભિજિત દીપકેએ બોન્ડ સાઇન ન કર્યાનું કહ્યું

દિલ્હી પોલીસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન કરવા આવેલા અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની અટકાયત કરી હતી. ત્રણેયને શનિવારે મુંબઈથી દિલ્હી પહોંચતી ફ્લાઇટમાંથી કસ્ટડીમાં લેવાયા હતા. રવિવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂઆત બાદ, 'શાંતિ ભંગ' ન કરવાની શરતે મુક્ત કરાયા. જોકે, અભિજીત દીપકેએ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે તેમણે એવો કોઈ બોન્ડ સાઇન કર્યો નથી, જેમાં પ્રદર્શન ન કરવાની શરત હોય. તેમણે જણાવ્યું કે તેઓ ફરી રસ્તા પર ઉતરશે.

સીજેપી (CJP)ના લીગલ મામલાના હેડ રત્ના સિંહના જણાવ્યા મુજબ, ત્રણેય નેતાઓને એ શરતે મુક્ત કરવામાં આવ્યા છે કે તેઓ એક વર્ષ સુધી 'શાંતિ ભંગ' કરશે નહીં. અગાઉ રવિવારે સવારે દિલ્હી પોલીસે કહ્યું હતું કે ત્રણેયને અટકાયતી કસ્ટડીમાં લેવાયા હતા. પોલીસે તેમની વિરુદ્ધ બીએનએસએસની કલમ 126 (શાંતિ જાળવવા માટે સુરક્ષા) અને કલમ 170 (સંજ્ઞેય અપરાધને રોકવા માટે ધરપકડ) હેઠળ કાર્યવાહી કરી હતી.

દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને 10 ઓક્ટોબર 2026ના રોજ બીએનએસએસની કલમ 126/170 હેઠળ અટકાયતી કસ્ટડીમાં લેવાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને ત્રણેયને 11 ઓક્ટોબર 2026ના રોજ દિલ્હી કેન્ટ સ્થિત એસઇએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.