દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે યુટ્યુબર અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમના પરિવારમાં શોકની ઘટના સામે આવી છે. અભિજીત દીપકેના દાદી સાવિત્રીબાઈ શંકર દીપકેએ 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
દિલ્હી પોલીસે અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી છે. પોલીસે તેઓ ફ્લાઇટમાંથી નીચે ઉતરે તે પહેલાં જ તેમની અટકાયત કરી લીધી હતી. અભિજીત દીપકે સવારે લગભગ 10:30 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટની બહાર નીકળે તે પહેલાં જ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત CJPના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
CJPના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ અગાઉથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP જંતર-મંતર પર મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની છે.
આ ઘટનાક્રમ વચ્ચે અભિજીત દીપકે તેમની દાદીના અંતિમ સંસ્કાર માટે મુંબઈ પરત ફરશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.